અયોધ્યાના રામ મંદિર – બાબરી મસ્જિદ કેસનો સુપ્રીમ કોર્ટે નિકાલ કર્યા પછી હવે કાશી અને મથુરાના મંદિર – મસ્જિદ વિવાદ ફરી ઉછાળવામાં આવ્યા છે અને કાશીની જ્ઞાનવાપી મસ્જિદનો મામલો તો છેક સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. મથુરાના કેસમાં સ્થાનિક કોર્ટમાં કેસનો નિકાલ નહીં આવતો હોવાની રજૂઆત કરાતાં અલ્હાબાદ હાઈકોર્ટે ગયા સપ્તાહે જ નીચલી કોર્ટને કેસનો ચાર મહિનામાં નિકાલ કરવા સૂચના આપી હતી.
કાશીમાં સ્થાનિક કોર્ટે હિન્દુ મહિલા અરજદારોની રજૂઆતને આધારે આ મસ્જિદનો વીડિયોગ્રાફી સાથે સરવે કરવાનો આદેશ આપ્યો હતો અને ત્રણ દિવસના સરવેને આધારે હિન્દુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે મુસ્લિમ અરજદારોએ આ દાવો ફગાવી દઈને જણાવ્યું હતું કે આ શિવલિંગ નથી, પરંતુ ફુવારો છે.
સરવેના તારણો મંગળવારે કોર્ટમાં રજૂ કરવાના હતા, પરંતુ સરવેની કામગીરી પૂર્ણ નહીં થતાં સત્તાવાળાએ સ્થાનિક કોર્ટ પાસેથી વધુ સમય માંગ્યો હતો. વારાણસીની કોર્ટે સરવેનો રીપોર્ટ સુપરત કરવા માટે વધુ બે દિવસનો સમય આપ્યો હતો. જોકે કોર્ટમાં રીપોર્ટ સોંપવામાં આવે તે પહેલા તે મીડિયામાં લીક થયો હતો અને શિવલિંગ મળ્યું હોવાના દાવાથી દેશભરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. રીપોર્ટ મીડિયામાં લીક કરવા બદલ સ્થાનિક કોર્ટે સરવેમાં સામેલ કમિશનર અજય મિશ્રાને તેમની કામગીરીથી દૂર કર્યા હતા.
બીજી તરફ મસ્જિદ કમિટીએ જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની વીડિયોગ્રાફી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવાર, 17મેએ સુનાવણી દરમિયાન શિવલિંગ મળ્યું છે તે વિસ્તારની સુરક્ષા કરવાનો અને નમાઝ બંધ ન કરવાનો વારાણસી સત્તાવાળાને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે એવો પણ સવાલ કર્યો હતો કે મસ્જિદ સંકુલમાંથી ચોક્કસ કઈ જગ્યાથી શિવલિંગ મળ્યું છે.
ઉત્તર પ્રદેશ સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે રીપોર્ટ જોયો નથી. શિવલિંગ મળી આવ્યું છે તે સ્થળને સીલ કરવામાં આવ્યું છે, જેથી નમાઝ દરમિયાન કોઇનો પગ અડે તો કાયદો અને વ્યવસ્થાના મુદ્દા ઊભા ન થાય. આ શિવલિંગ મસ્જિદ સંકુલમાં આવેલા એક તળાવમાંથી મળી આવ્યું હોવાનું કહેવાય છે, જ્યાં મુસ્લિમો નમાઝ પહેલા વઝુ કરે છે.
એ પછી સુપ્રીમ કોર્ટે વારાણસી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો હતો કે શિવલિંગ મળી આવ્યું હોય તો તે વિસ્તારનું રક્ષણ કરવામાં આવે, પરંતુ મુસ્લિમોને નમાઝ અદા કરવા કે અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં કોઈપણ જાતનો અવરોધ કે નિયંત્રણો હોવા જોઈએ નહીં.
શિવલિંગ મળી આવ્યું હોવાના હિન્દુ પક્ષના વકીલનો દાવો મુસ્લિમ પિટિશરોએ ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે તે શિવલિંગ નહીં, પરંતુ ફુવારાનો એક હિસ્સો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુસ્લિમ અરજદારાએ સવાલ કર્યો હતો કે જ્ઞાનવાપી સંકુલનો સરવે કરનારી સમિતિનો રીપોર્ટ જાહેર થયા વગર સ્થાનિક કોર્ટ આ જગ્યાને સીલ કરવાનો કેવી રીતે આદેશ આપી શકે.
જ્ઞાનવાપી મસ્જિદ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે અને મહિલાઓના એક ગ્રુપે મસ્જિદ સંકુલમાં રહેલી મૂર્તિઓની દરરોજ પૂજા કરવાની માગણી સાથે સ્થાનિક કોર્ટમાં અરજી કરી હતી. મહિલાઓના આ ગ્રુપે મસ્જિદ સંકુલમાં હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ હોવાનો પણ દાવો કર્યો છે. આ પછી કોર્ટે વીડિયોગ્રાફી સાથે મસ્જિદનો સરવે કરવાનો આદેશ આપ્યો હતો. અગાઉ રવિવારે પશ્ચિમી દીવાલ, નમાઝ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોંયરાનો સરવે કરાયો હતો.