ગ્રેટર માન્ચેસ્ટરના 35 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અદનાન અલી જાતીય શોષણના 21 આરોપ બદલ લિવરપૂલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા હતા. પીસી અલી, અગાઉ વોલંટીયર્સ પોલીસ કેડેટ્સની ટ્રેફોર્ડ શાખા ચલાવતા હતા. તેના પર જાહેર કાર્યાલયમાં ગેરવર્તણૂંકના 15 ગુના, જાતીય શોષણના પાંચ અને બાળકનો અભદ્ર ફોટોગ્રાફ વહેંચવાનો આરોપ લગાવાયો છે.
અલીને 2 સપ્ટેમ્બરના રોજ લિવરપૂલ ક્રાઉન કોર્ટમાં હાજર થવા અને 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક કરવાની મર્યાદા સહિતની શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા.
લિવરપૂલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જણાવાયું હતું કે તેના પર મહિલાઓ અને પુરૂષો પર પાંચ જાતીય હુમલાનો આરોપ છે જે કથિત રીતે 2015 અને 2018ની બન્યા હતા.
આરોપો અનુસાર, માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રહેતા અલીએ કથિત રીતે કિશોરોને પોતાની તસવીરો મોકલી, તેમને અશ્લીલ ફોટા મોકલવા કહ્યું હતું. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તેણે જાતીય ટિપ્પણી કરી હતી.
અલીની પહેલી વખત ઓક્ટોબર 2018માં ભ્રષ્ટાચારની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણે જાતીય હેતુ માટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. આ આક્ષેપની તપાસ ઇન્ડીપેન્ડન્ટ ઓફિસ ઓફ પોલીસ કન્ડક્ટના માર્ગદર્શન હેઠળ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસની મેજર ઇન્સીડન્ટ ટીમ દ્વારા કરવામાં આવી હતી.
નવેમ્બર 2018માં ફરી બીજી વખત, પોલીસ ભ્રષ્ટાચારની શંકાના આધારે, અને માર્ચ 2019માં ત્રીજી વખત જાતીય હુમલો, જાહેર કાર્યાલયમાં ગેરવર્તણૂક અને અભદ્ર છબી વહેંચવાના શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.