જનરલ મેડિકલ કાઉન્સિલે આફ્રિકન અને યુરોપિયન મૂળના ડૉક્ટર સામે ભેદભાવ રાખી તેની સામેની તપાસ ચાલુ રાખી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ GMCએ શ્વેત ડોક્ટર સામેના આવા જ આરોપોની તપાસ પણ કરી ન હતી. જનરલ મેડિકલ કાઉન્સિલ પણ જાતિગત ભેદભાવથી “ચેપગ્રસ્ત” થઈ શકે છે એમ એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલે કહ્યું હતું. GMC સામે ટ્રાઇબ્યુનલમાં દાવો થયો હોય તેવો આ પ્રથમ કેસ છે.
62 વર્ષના આફ્રિકન અને યુરોપિયન વારસાના મુસ્લિમ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ઓમર કરીમ દ્વારા રેડીંગ એમ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ કરાયેલી ફરિયાદના ચુકાદામાં જજીસે જણાવ્યું હતું કે જીએમસીએ કરીમ સામે તપાસ ચાલુ રાખીને ભેદભાવ રાખ્યો હતો જ્યારે તે શ્વેત ડોક્ટર સામેના સમાન આરોપોની તપાસ કરાઇ ન હતી. જજીસે જણાવ્યું હતું કે, “અમે આ તફાવત માટે વિશ્વસનીય સ્પષ્ટતા કરાઇ હોવાનું ધ્યાનમાં લેતા નથી. જીએમસીએ “આરોપોને ટેકો આપવા માટે સામગ્રીની શોધ કરતું હતું, ખરેખર તેમણે બધી બાબતોની યોગ્ય તપાસ કરવાની હતી.”
ટ્રિબ્યુનલમાં જણાવાયું હતું કે ‘’પ્રોસ્ટેટ કેન્સર અને રોબોટિક સર્જરીના આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નિષ્ણાત કરિમે હીધરવુડ અને વેક્સહામ પાર્ક હોસ્પિટલ્સ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં નબળી પ્રેક્ટિસ, બુલીઇંગ અને ભેદભાવ અંગેની ચિંતાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમના પરના આરોપો દૂષિત છે. ફ્રીમલી હેલ્થ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરીકે ઓળખાતા ટ્રસ્ટે હવે તેમના પર સાથીદારો પ્રત્યે બુલીઇંગ અને ધમકીભર્યા વર્તનનો આરોપ લગાવ્યો છે.
ટ્રિબ્યુનલે તેમના શ્વેત સાથીદારોની તુલનામાં વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના ડોકટરો વિશે અસંખ્ય ફરિયાદો કરાતી હોવાનું જાહેર કર્યું હતું. વંશીય લઘુમતીના ડોકટરોનું પ્રમાણ યુકેમાં 29 ટકા છે પણ તેમની સામે એમ્પલોયર્સની ફરિયાદોનો દર 42 ટકા છે. યુકેના વંશીય લઘુમતી ગ્રેજ્યુએટ ડોકટરોને તેમના સાથી શ્વેત ડોકટરો કરતાં સેન્કશન અથવા ચેતવણી મળવાની સંભાવના 50 ટકા વધારે હોય છે.
જજીસે કહ્યું હતું કે જીએમસીએ ફરિયાદને ધ્યાનમાં રાખીને વંશીય લઘુમતી ડોકટરોની “પ્રતિકૂળ સ્થિતિ” અંગે સભાન હોવું જોઈએ. ટ્રિબ્યુનલને ચિંતા હતી કે જીએમસીના કામમાં ભેદભાવ છે અથવા રેફરલ પ્રોસેસમાં ભેદભાવ હોઈ શકે છે.
ટ્રસ્ટે કરીમને તેના વિભાગની અનેક તપાસ બાદ સસ્પેન્ડ કરી દીધા હતા અને તેને 2014ના અંતે તેમનો કેસ જીએમસીમાં રિફર કર્યો હતો. પછીના વર્ષે, મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસની વચગાળાની ઓર્ડર પેનલે તેમની પ્રેક્ટીસ પર પ્રતિબંધ લાદ્યો હતો. વર્ષ 2015માં આ પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ વર્ષ પછી પણ કરીમના કેસની સુનાવણી થઈ ન હતી. 2018માં ફીટનેસ-ટૂ-પ્રેક્ટિસની સુનાવણીમાં તેમણે કોઈ ગેરવર્તણૂક કરી ન હોવાનું જાણવા મળ્યું હતું.