ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટલીના જ્યોર્ર્જિવાએ દુબઇમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના રોગચાળાના કારણે 2020માં વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ મંદ પડી શકે છે. ક્રિસ્ટલિનાનું કહેવું છે કે હાલ કોઇ તારણ ઉપર આવવું થોડું વહેલું ગણાશે પરંતુ આ રોગચાળાના કારણે ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રોને ભારે નુકશાન થયું છે.
દુબઇમાં ઇન્ટરનેશનલ વુમન્સ કોન્ફરન્સને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક વિકાસમાં કોરોનાના કારણે 0.1થી 0.2 ટકાનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે, જો કે પછી ફરી વિકાસદરમાં ઉછાળો આવવાની શક્યતા છે. અત્યાર સુધીમાં આ રોગના કારણે 1700થી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે.
તેમણે લોકોને સલાહ આપી છે કે હાલ સત્વરે કોઇ નિર્ણય પર ન આવવું જોઇએ.
આ ઉપરાંત આ વાયરસના કારણે બીજા દેશોમાં વ્યાપક રોગચાળો ફેલાશે કે નહીં તે અંગે પણ કોઇ માહિતી નથી, પરંતુ સમગ્ર વિશ્વે સુસ્ત અર્થતંત્ર માટે તૈયાર રહેવું જોઇએ, કારણ કે આ વાયરસના પરિણામે સર્જાયેલી અનિશ્ચિતતાઓ ઉપરાંત હાલ આપણે ઓછી ઉત્પાદકતા વૃદ્ધિ, નીચો આિર્થક વિકાસ, નીચા વ્યાજ દરો અને ઉંચા ફૂગાવામાં સપડાયેલા છીએ.
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે કે 2020માં વૈશ્વિક વિકાસ દરમાં 0.1થી 3.3 ટકાનો ઘટાડો નોંધાશે. ગત વર્ષે વૈશ્વિક વિકાસ દરમાં 2.9 ટકાનો વધારો નોંધાયો હતો, જે દાયકાનો સૌથી નીચો વિકાસ દર હતો. ઉલ્લેખનીય છે કે આ ફોરમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન થેરેસા મેએ પણ હાજરી આપી હતી.
ઉત્તર પશ્ચિમ ચીનના શિનજીયાંગ વિસ્તારમાં હાલ વેપાર અને ઉદ્યોગો ઠપ્પ અવસ્થામાં છે અને ચીનના મોટાભાગના વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિ છે. ચીન-કઝાકીસ્તાન સરહદે આવેલું ફ્રી ટ્રેડ ઝોન વૈશ્વિક બજાર માટે મુક્ત વેપારનું માધ્યમ હતું.
કોરોનાના કારણે આ ઝોન અને કોરિડોર બંધ પડયો છે. તેના કારણે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને ઘેરી અસરો થઈ છે. આ ઉપરાંત ચીનની સરકારે હાથ ધરેલી કવાયતો અને લાદેલા પ્રતિબંધોના કારણે કોઇ કામદાર તેના નોકરી-વ્યવસાય પર પરત જઇ શકતા નથી, ત્યાંના ઉત્પાદનો અને વેપાર લગભગ નિષ્ક્રીય અવસ્થામાં છે.
ચીનના સૌથી મોટા બંદર પૈકીના એક શિનજીયાંક પોર્ટનો ઉપયોગ હાલ રશિયા, કઝાકીસ્તાન અને કીર્ગિસ્તાન જેવા પાડોશી દેશોમાંથી શાકભાજી, ફળફળાદિ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓ મગાવવા માટે જ થઇ રહ્યો છે. આ સિવાયના તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ છે. તેના કારણે ચીનના 80થી 90 ટકા ઉદ્યોગો બંધ પડયા છે.
ચીનમાં કોરોનાનો મૃત્યુઆંક 1770ને પાર કરી ગયો
ચીને દાવો કર્યો છે કે કોરોના વાઇરસના રોગચાળાની તીવ્રતામાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે તેમ છતા મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સોમવારે (17 ફેબ્રુઆરી) તે 1770ને પાર પહોંચી ગયો હતો.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશને દાવો કર્યો હતો કે દેશભરમાં કોરોનાના વધુ 2009 કેસો નોંધાયા છે. જોકે અગાઉ કરતા કેસો વધવાની ગતી ધીમી પડી છે. હુબેઇ અને વુહાનમાં સૌથી વધુ અસર હોવાથી ત્યાં નવા 1843 કેસો નોંધાયા છે.
હાલમાં કુલ 66 હજારથી પણ વધુ લોકોને કોરોના વાઇરસની અસર થઇ છે. જોકે ચીન સરકારે દાવો કર્યો છે કે સારવારમાં સફળતા મળી રહી હોવાથી ટોટલ નવ હજાર લોકોને હોસ્પિટલમાંથી સારા થઇ ગયા હોવાથી ડિસચાર્જ કરી દેવાયા છે.
કોરોના વાઇરસની સૌથી વધુ અસર હતી તે પ્રાંતમાં હાલ વાઇરસના અસરગ્રસ્ત લોકોની સંખ્યા ઘટી રહી છે કેમ કે સારવાર સફળ થઇ રહી છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગનો દાવો છે કે અમે આ વાઇરસ ચીનની સાથે સાથે સમગ્ર વિશ્વમાં ફેલાતો અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ.
કોરોનાની આશંકાથી આપઘાત
ચીનને ઘૂંટણીયે પાડી દેનારા કોરોના વાયરસનો ખોફ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે.
તેમાં પણ ભારતમાં હૈદ્રાબાદના એક રહેવાસીએ તો પોતાને થયેલા વાયરલ ફીવરને કોરોના સમજીને ગળે ફાંસો ખાઈને જીંદગી ટુંકાવી નાખી હતી.
હૈદ્રાબાદના ચિત્તુર વિસ્તારમાં રહેતા કે બાલા કૃષ્ણાહદને તાવ આવ્યો હતો. લોકોએ તેમને કોરોના વાયરસ તો નથીને તેની તપાસ કરાવવાની સલાહ આપી હતી. બીજી તરફ બાલા એ હદે ગભરાઈ ગયો હતો કે, તેણે પોતાની પત્ની અને બાળકોને ઘરમાં બંધ કરી દીધા હતા અને પોતે એક ઝાડ પર દોરડુ લટકાવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી ત્યારે આ ઘટસ્ફોટ થયો હતો. દરમિયાન ડોક્ટરોએ તપાસ કરતા બાલાના શરીરમાં કોરોના વાયરસના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. હકીકતમાં તે વાયરલ ફીવરના કારણે બીમાર હતો.
કેરળમાં ત્રણ દર્દીઓ સાજા થયા
ચીન સહિત દુનિયાભરના દેશોને ધ્રૂજાવનારા કોરોના વાઇરસનો શિકાર બનેલા ત્રણ ભારતીયોને સંપૂર્ણપણે સારા કરવામાં સફળતા મળ્યાનો દાવો કેરળમાં કરવામાં આવ્યો હતો.
ચીનમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો કોરોના વાઇરસનો શિકાર બનીને મરણ પામ્યા છે. વુહાન તથા અન્ય કેટલાક વિસ્તારો નિર્જન થઇ ગયા છે. બીજી બાજુ ભારતના વિજ્ઞાનીઓ-ડૉક્ટરોને કોરોના વાઇરસના ઈલાજમાં સફળતા મળી હતી.
ચીનથી આવેલા ત્રણ કેરળવાસીઓ આ વાઇરસનો શિકાર બનીને આવ્યા હતા. આ ત્રણેને પૂરતી સારવાર યોગ્ય સમયે મળી જતાં તેમને સંપૂર્ણપણે સારું થઇ ગયાનો દાવો કરાયો હતો. એક પેશન્ટ સરકારી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને બીજા બે મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં હતા. ત્રણે પેશન્ટને સારું થઇ જતાં રજા અપાયાનું ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યું હતું.
