કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર ઘેરી મંદીનો અનુભવ કરી રહ્યું છે. વૈશ્વિક જીડીપીમાં ચાલુ વર્ષે 4.3 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે અને તેનાથી વૈશ્વિક ઉત્પાદનમાં કોરોના વાઇરસ પહેલાના અર્થશાસ્ત્રીઓના અંદાજ કરતાં આશરે છ ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે, એમ યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)ના ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2020માં જણાવવામાં આવ્યું છે.
UNCTADના આ અહેવાલમાં ભારત અને વિશ્વની આર્થિક સ્થિતિ અંગે બિહામણું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. વિશ્વમાં 1930ની મહામંદી જેવી મંદી આવવાની પણ શક્યતા છે. આ વર્ષ વૈશ્વિક અર્થતંત્ર માટે કપરું છે. ઘણા દેશો આ મહામારીનો સામનો કરવાની તૈયારી ધરાવતા નથી. તેથી લોકોના જીવન બચાવવા અને આરોગ્ય સિસ્ટમ જાળવી રાખવા માટે લોકડાઉન એકમાત્ર શક્ય માર્ગ લાગે છે. આવું કરવાથી આર્થિક કટોકટી આવી છે અને તે વાઇરસ જેટલી જ ઝડપથી ફેલાઈ રહી છે.
વિશ્વમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં દેવાનું પ્રમાણ ઐતિહાસિક ઊંચા સ્તરે જશે. વિકાસશીલ દેશોમાં આશરે 90 મિલિયનથી 120 મિલિયન લોકો દારુણ ગરીબીમાં ઘકેલાશે અને 300 મિલિયન લોકો સામે અનાજની સમસ્યા ઊભી થશે. કોરોના મહામારીને કારણે ભારતના અર્થતંત્રમાં વર્ષ 2020 દરમિયાન 5.9 ટકાનો તીવ્ર ઘટાડો થવાનો અંદાજ છે. અર્થતંત્રમાં આગામી વર્ષે ફરી ઉછાળો આવી શકે છે, પરંતુ આ ઘટાડાથી આવકમાં કાયમી નુકસાન થશે. બીજી તરફ ચીનમાં આર્થિક વૃદ્ધિ ચાલુ રહેવાનો અંદાજ છે. ચીન 2021માં 8.1 ટકાનો ઊંચો જીડીપી ગ્રોથ નોંધાવે તેવો અંદાજ છે, એમ યુએનના એક અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશમાં કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે અમલ કરાયેલા આકરા લોકડાઉનથી 2020માં ભારતમાં મંદી આવશે, કારણ કે સમગ્ર દેશમાં ઉત્પાદનની કામગીરી અટકી ગઈ હતી.
વિશ્વમાં બ્રાઝિલ, ભારતી અને મેક્સિન અર્થતંત્રના કુલ કદ જેટલું આર્થિક નુકસાન થઈ શકે છે. ઘરેલુ આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડાની સાથે આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં પણ ઘટાડો થશે. વૈશ્વિક વેપારમાં આ વર્ષે પાંચમાં ભાગનો ઘટાડો થવાની ધારણા છે. કોરોનાના કારણે સીધા વિદેશી રોકાણમાં 40 ટકા સુધીનો રિમિટન્સમાં આશરે 100 અબજ ડોલરનો તીવ્ર ઘટાડો થવાની ધારણા છે.
UNCTADના અંદાજ મુજબ સાઉથ એશિયાના અર્થતંત્રમાં 2020માં 4.8 ટકાનો ઘટાડો થઈ શકે છે અને તે 2021માં 3.9 ટકા હશે. ભારતના જીડીપીમાં 2020માં 5.9 ટકાનો ઘટાડો થવાનો અને તે આગામી વર્ષે 3.99 ટકા રહેવાનો અંદાજ છે. અમેરિકાના અર્થતંત્ર અંગે જણાવવામાં આવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં 2020માં 5.4 ટકા ઘટાડો થવાની ધારણા છે અને 2021માં 2.8 ટકા રિકવરી આવશે. આની સામે ચીનમાં ચાલુ વર્ષે 1.3 ટકાનો આર્થિકવૃદ્ધિદર રહેવાનો અંદાજ છે. 2021માં ચીનનો આર્થિક વૃદ્ધિદર 8.1 ટકા જેટલો ઊંચો રહેવાની ધારણા છે.