ભૂતપૂર્વ અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંગરનું નિધન થતાં વિશ્વભરના નેતાઓએ તેમને ગુરુવારે શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ અમેરિકાના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી રાજદ્વારીઓ પૈકીના એક તરીકે તેમની નિવૃત્તિ પછી દસકાઓ સુધી પ્રભાવશાળી રહેલા કિંસિગરની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. કિસિંગરનું ગત બુધવારે 100 વર્ષની ઉંમરે નિધન થયું હતું, અમેરિકન હિતોના રક્ષક તરીકે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. જોકે, તેમણે વિશ્વને હંમેશા નુકસાન કર્યું હોવાથી સોશિયલ મીડિયામાં તેમને વ્યાપક રીતે યુદ્ધના ગુનેગાર તરીકે ઠેરવવામાં આવ્યા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે જણાવ્યું હતું કે, “અમેરિકાએ વિદેશી બાબતોમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર વ્યક્તિ ગુમાવ્યા છે.”

બુશે એક નિવેદનમાં કહ્યું હતું કે, “હું લાંબા સમયથી તેમની પ્રશંસા કરું છું, જે એક યહૂદી પરિવારના નાના કિશોર તરીકે નાઝીઓના સંકજામાંથી ભાગી ગયો હતો, પછી તેઓ અમેરિકામાં તેમની સામે લડ્યો હતો. પછી જ્યારે તેમની સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નિમણૂક થઇ ત્યારે ભૂતપૂર્વ શરણાર્થી તરીકેની તેમની નિયુક્તિ અમેરિકાની મહાનતા જેટલી જ સમાન હતી.”
કિસિંગરે બે પ્રેસિડેન્ટ- રિચર્ડ નિક્સન અને ગેરાલ્ડ ફોર્ડની સાથે કામ કર્યું હતું, અને અમેરિકાએ વિયેતનામમાંથી પીછેહઠ કરીને ચીન સાથે સંબંધો સ્થાપ્યા ત્યારે તેમણે વિદેશ નીતિ પર પ્રભુત્વ જમાવ્યું હતું.
ચીનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કિસિંગરને “ચીનના જૂના અને સારા મિત્ર, અને ચીન-અમરિકા વચ્ચેના સંબંધોના પ્રણેતા અને સ્થાપક તરીકે દર્શાવ્યા હતા.”

ચીનમાં ઘણા લોકોએ તેમના નિધન પર સોશિયલ મીડિયા દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. સરકારી મીડિયા- CCTV એ સોશિયલ મીડિયા પર 1971માં કિસિંગરની ચીનની પ્રથમ ગુપ્ત મુલાકાત દર્શાવતો જૂનો રીપોર્ટ પોસ્ટ કર્યો હતો, એ વખતે તેમણે અમેરિકા-ચીન વચ્ચેના સંબંધો સ્થાપિત કરવાની સંભાવનાનો પ્રચાર કર્યો હતો અને તત્કાલીન પ્રીમિયર ઝોઉ એનલાઈ સાથે મુલાકાત કરી હતી.
કિસિંગરે સ્ટેટ સેક્રેટરી પદ છોડ્યા પછી લાંબા સમય સુધી વૈશ્વિક બાબતો પર અસાધારણ પ્રભાવ પાડ્યો હતો. ઉદાહરણ તરીકે, જ્યારે ચીન અને અમેરિકાના સંબંધો ઓછા હતા ત્યારે જુલાઈમાં તેઓ બીજિંગમાં ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગને મળ્યા હતા.
1973માં વિયેતનામમાં યુદ્ધવિરામમાં તેમની ભૂમિકા માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કિસિંગરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઇ હતી, ઘણા લોકોએ તેમના મોતની ઉજવણીના વીડિયો પોસ્ટ કર્યા હતા.
રોલિંગ સ્ટોન મેગેઝીને તેના શીર્ષકમાં જણાવ્યું હતું કે, “અમેરિકન શાસકોના પ્રિય યુદ્ધ ગુનેગાર હેનરી કિસિંગરનું અંતે મૃત્યુ.”

સ્વતંત્ર ડોક્યુમેન્ટેશન સેન્ટર ઓફ કંબોડિયાના વડા, યુક ચાંગે કિસિંગરના વારસાને “વિવાદાસ્પદ” ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 1979માં ખમેર રોગની હકાલપટ્ટી પછી અડધાથી વધુ વસ્તીનો જન્મ થયો હતો અને કિસિંગરે સરકાર છોડી દીધી હતી, તેથી તેમના અંગે કંબોડિયનોમાં બહુ જાગૃતિ નથી.
કિસિંગરે પેરિસ ચર્ચાની શરૂઆત કરી હતી, જેણે અંતે અમેરિકાને વિયેતનામમાં મોંઘા યુદ્ધમાંથી બહાર કાઢવા માટે પ્રદાન આપ્યું હતું.
નિક્સનની પુત્રીઓ, ટ્રિસિયા નિક્સન કોક્સ અને જુલી નિક્સન ઇસેનહોવરે જણાવ્યું હતું કે, તેમના પિતા અને કિસિંગર “ભાગીદારીની મજા માણતા હતા, તેથી આપણા દેશમાં શાંતિમય પેઢીનો જન્મ થયો.”
નિક્સનની પુત્રીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ડો. કિસિંગરે પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઇના માટે ઐતિહાસિક શરૂઆત કરવામાં અને સોવિયેત યુનિયન સાથે આગળ વધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, આ એક ચાવીરૂપ પહેલ હતી જેણે શીત યુદ્ધના અંતની શરૂઆત કરી હતી. મધ્ય પૂર્વીય દેશોમાં તેમની “શટલ ડિપ્લોમસી”એ વિશ્વના તે મુશ્કેલ પ્રદેશમાં તણાવને હળવા કરવામાં મદદ કરી હતી.”

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરે કહ્યું હતું કે, તેઓ કિસિંગરથી પ્રભાવિત હતા. જોકે, તેમણે કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય રાજકારણની સૌથી મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરનાર કોઈપણ વ્યક્તિની જેમ, તેમની અનેકવાર ટીકા કરવામાં આવી હતી.”
ઇઝરાયેલના પ્રેસિડેન્ટ આઇઝેક હરઝોગે જણાવ્યું હતું કે, “જ્યારે તેમણે તેલ અવીવમાં અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી ત્યારે જણાવ્યું હતું કે, કિસિંગરે શાંતિ સમજૂતીનો પાયો નાખ્યો હતો, પછી તે કરાર ઇજિપ્ત સાથે પણ કરવામાં આવ્યો હતો.”

રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને કિસિંગરની પત્નીને એક સંદેશામાં જણાવ્યું હતું કે, તેઓ “એક સમજુ અને દૂરંદેશી રાજનેતા” હતા અને તેમની વિદેશ નીતિએ એક સમયે આંતરરાષ્ટ્રીય તણાવને અટકાવાનું શક્ય બનાવ્યું હતું અને સૌથી મહત્વપૂર્ણ સોવિયેત-અમેરિકન સમજૂતીથી વૈશ્વિક સુરક્ષાને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું હતું.”

ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમાન્યુઅલ મેક્રોને એક્સ (ટ્વીટર)પર જણાવ્યું હતું, કે “હેનરી કિસિંગરનો ઇતિહાસ ખૂબ જ વિશાળ હતો. તેમના વિચારો અને મુત્સદ્દીગીરીની સદીના તેમના સમયનો આપણા વિશ્વ પર કાયમી પ્રભાવ હતો.
કિસિંગરના વતન- જર્મનીના નેતાઓએ ભૂતપૂર્વ રાજદ્વારી, એક યહૂદીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેઓ કિશોરાવયે તેમના પરિવાર સાથે નાઝી શાસનમાંથી ભાગી ગયા હતા. ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે એક્સ (ટ્વીટર) પર લખ્યું હતું કે, “અમેરિકા અને જર્મની વચ્ચેની ટ્રાન્સએટલાન્ટિક મિત્રતા પ્રત્યેની તેમની કટિબદ્ધતા નોંધપાત્ર હતી, અને તેઓ હંમેશા તેમના જર્મન વતનની નજીક રહ્યા હતા.”
પ્રેસિડેન્ટ ફ્રાંક-વોલ્ટર સ્ટેઈનમીઅરે કિસિંગરના પરિવારને શોક સંદેશમાં, લખ્યું હતું કે, “તેમની નિઃશસ્ત્રીકરણ નીતિ સાથે, હેનરી કિંસિગરે શીત યુદ્ધના અંત અને પૂર્વીય યુરોપમાં લોકશાહીના હસ્તાંતરણનો પાયો નાખ્યો હતો, જેનાથી જર્મનીનું એકીકરણ થયું હતું.”

LEAVE A REPLY