ઇન્ડોનેશિયાની રાજધાની બાલીમાં 15-16 નવેમ્બરે યોજાનારા G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બાલી જવા રવાના થશે.આ સમીટમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ, અમેરિકાના પ્રમુખ જો બિડેન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને ફ્રાંસના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સહિતના રાષ્ટ્રપ્રમુખો પણ હાજરી આપશે.યુક્રેનમાં આક્રમણને પગલે રશિયા અને પશ્ચિમ દેશો વચ્ચે તંગદિલીમાં થઈ રહેલા વધારા વચ્ચે આ વૈશ્વિક સમીટ યોજાઈ રહી છે. જોકે આ સંમેલનમાં રશિયાના પ્રેસિડન્ટ પુતિન હાજર રહેવાના નથી.
આ સમીટમાં ભાગ લેવા માટે મોદી સોમવારે બાલીની ત્રણ દિવસની મુલાકાતે જશે.મોદી આ સમીટમાં આરોગ્ય, મહામારી પછીની આર્થિક રિકવરી, ઉર્જા અને ખાદ્ય સુરક્ષા જેવા મુખ્ય વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે ભારતનો પરિપ્રેક્ષ્ય રજૂ કરે તેવી અપેક્ષા છે.
15 અને 16 નવેમ્બરે વિશ્વના સૌથા મોટા અર્થતંત્રોની સમીટ નવી દિલ્હી માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે વાર્ષિક સમીટના સમાપન સમારોહમાં ઇન્ડોનેશિયા ભારતને G-20નું પ્રમુખપદ સોંપશે.
એક મીડિયા બ્રીફિંગમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે મોદી શિખર સંમેલન દરમિયાન સંખ્યાબંધ નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક કરશે. જોકે તેમણે જિનપિંગ સાથે મુલાકાત થશે કે કેમ તે અંગેના પ્રશ્નોના સીધા જવાબ આપ્યા ન હતા. ક્વાત્રાએ કહ્યું હતું કે “અન્ય નેતાઓ સાથેની આ દ્વિપક્ષીય બેઠકો હજુ પણ નિર્ધારિત થવાની પ્રક્રિયામાં છે. આ એવી બાબત છે કે જેની પ્રગતિ થતી રહે છે.”
મોદી અને જિનપિંગે સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો, પરંતુ તેમની વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થઈ ન હતી. ક્વાત્રાએ જણાવ્યું હતું કે G20 સમિટમાં મોદી ત્રણ મુખ્ય સેશનમાં ભાગ લેશે, જેમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને આરોગ્ય અંગેના સેશનનો સમાવેશ થાય છે. મોદી અને બીજા નેતાઓ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ, ઊર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિતના મુખ્ય મુદ્દાઓ પર વ્યાપકપણે ચર્ચાવિચારણા કરશે.
વિદેશ સચિવે જણાવ્યું હતું કે સમિટ ખાસ કરીને ભારત માટે વિશેષ મહત્ત્વની છે, કારણ કે ભારત 1 ડિસેમ્બરથી એક વર્ષના સમયગાળા માટે જી-20નું પ્રમુખપદ સંભાળશે. તેમણે જણાવ્યું હતું કે “વડાપ્રધાન બાલી સમિટના સમાપન સત્રમાં ઇન્ડોનેશિયાના પ્રમુખ પાસેથી G20 પ્રમુખપદ પ્રાપ્ત કરશે અને ભારત સપ્ટેમ્બર 2023માં આગામી G20 સમિટનું આયોજન કરશે. મોદી બાલી શિખર સંમેલનમાં ભારતના યોજાનારી G20 સમિટ માટે વૈશ્વિક નેતાઓને આમંત્રણ આપશે.
બાલીમાં મોદી 15 નવેમ્બરે ભારતીય સમુદાય અને ભારતના મિત્રોને સાથે સંબોધન કરશે અને તેમની સાથે વાર્તાલાપ પણ કરશે. ભારતીય મૂળના લોકો દ્વારા સ્વાગત સમારોહ યોજવામાં આવશે. ભારતીય સમુદાય અને ડાયસ્પોરા સમગ્ર ઈન્ડોનેશિયામાં મજબૂત હાજરી ધરાવે છે. બાલી સમિટના સમાપન પર મોદી 16 નવેમ્બરે બાલી જવા રવાના થશે.
ક્વાત્રાએ જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ અને ડિજિટલ સાધનોનો ઉપયોગ અંગે G20 સમિટમાં ચર્ચાવિચારણા થશે અને આ ક્ષેત્રોમાં ભારતની ક્ષમતાને હાઇલાઇટ કરાશે.
સમિટમાં મોદીનો સંદેશ શું હશે તે અંગે પૂછવામાં આવતાં ક્વાત્રાએ સીધો જવાબ આપ્યો ન હતો પરંતુ આબોહવા, આરોગ્ય અને ઊર્જા સુરક્ષાને લગતી સતત અનિશ્ચિતતા અને પડકારોની યાદી આપી હતી.
મોદી 45 કલાકના રોકાણમાં 20 બેઠકો યોજશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં તેમના આશરે 45 કલાકના રોકાણ દરમિયાન આશરે 20 બેઠકો કરશે. તેઓ વિશ્વના 10 નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયની લોકોના કાર્યક્રમમાં હાજરી આપશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ અગાઉ કહ્યું હતું કે મોદી જી-20 સમિટમાં ત્રણ મુખ્ય સેશનમાં હાજરી આપશે. મોદી અને વિશ્વના નેતાઓ વૈશ્વિક, અર્થતંત્ર, ઊર્જા, પર્યાવરણ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વગેરેને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરશે.