લંડનમાં હેમ્પટન કોર્ટ પેલેસ ખાતે યોજાયેલ “બ્રિટિશ આઈડિયાઝ – પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર” શીર્ષક ધરાવતી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં વિશ્વના અગ્રણી રોકાણકારોએ યુકેના અર્થતંત્રમાં વિશ્વાસનો વિશાળ મત જાહેર કરી £29.5 બિલિયનના નવા પ્રોજેક્ટ્સ અને મૂડીરોકાણનું વચન આપ્યું હોવાની વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે જાહેરાત કરી હતી.
વિશ્વના અગ્રણી બિઝનેસીસના સીઇઓનું સ્વાગત કરતા સુનકે જણાવ્યું હતું કે ‘’આ રોકાણ ટેક, લાઇફ સાયન્સ, રિન્યુએબલ એનર્જી, હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં દેશભરમાં હજારો નોકરીઓનું સર્જન કરશે અને યુકેના અર્થતંત્રના ભવિષ્યમાં વિશ્વાસનો વિશાળ મત રજૂ કરે છે. વૈશ્વિક સીઈઓ બ્રિટનને સમર્થન આપવા માટે યોગ્ય ગણે છે. અમે દેશને રોકાણ કરવા અને બિઝનેસ કરવા માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થાન બનાવી રહ્યા છીએ. વૈશ્વિક રોકાણને આકર્ષવું એ અર્થતંત્રના વિકાસ માટેની મારી યોજનાનું કેન્દ્ર છે. સ્વચ્છ ઉર્જા, જીવન વિજ્ઞાન અને અદ્યતન ટેક્નોલોજી જેવા મુખ્ય ઉદ્યોગોમાં નવા ભંડોળના પ્રવાહ સાથે, આંતરિક રોકાણ ઉચ્ચ ગુણવત્તાની નવી નોકરીઓનું સર્જન કરી રહ્યું છે અને સમગ્ર દેશમાં વિકાસને આગળ ધપાવી રહ્યું છે.”
આ સમિટમાં બ્લેકસ્ટોન, ગોલ્ડમૅન સૅક્સ, જેપી મોર્ગન ચેઝ, બાર્કલેઝ, HSBC અને લોયડ્સ બેંક સહિત અન્ય કંપનીઓ જાડાઇ હતી. બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સ III દ્વારા આ માટે સ્વાગત સમારોહ યોજાશે.
ડાઉનિંગ સ્ટ્રીટે નિર્દેશ કર્યો હતો કે યુકેના ચાન્સેલર જેરેમી હંટે ઓટમ સ્ટેટમેન્ટમાં કેપિટલ એલાઉન્સના કાયમી વિસ્તરણ, £7 બિલિયનના ગ્રોથ ફંડ, £4.3 બિલિયનના બિઝનેસ રેટ સપોર્ટ અને £4.3 બિલિયનના “સૌથી મોટા બિઝનેસ ટેક્સ કટ”નું અનાવરણ કર્યા પછી રોકાણની નવી લહેર આવી છે.
યુકેના બિઝનેસ એન્ડ ટ્રેડ સેક્રેટરી કેમી બેડેનોક જણાવ્યું હતું કે ‘’અમે વિશ્વમાં 2.7 ટ્રિલિયન ડોલરના ઇનવર્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ત્રીજા સ્થાને છીએ, અમે નવા રોકાણ પ્રોજેક્ટ્સ માટે યુરોપમાં નંબર વન છીએ, અને ગયા વર્ષે જ અમે ઇનવર્ડ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા 107,000 નોકરીઓનું સર્જન કર્યું હતું.”
તાજેતરની AI સેફ્ટી સમિટ બાદ, માઇક્રોસોફ્ટે જટિલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે £2.5 બિલિયનનું વચન આપ્યું છે તો રિન્યુએબલ્સના ક્ષેત્રમાં, ક્લીન એનર્જી-ટેક કંપની ઐરાએ હીટ પંપ રોલઆઉટ, નવી નોકરીઓ અને અપસ્કિલિંગમાં £300 મિલિયનનું રોકાણ અને 8,000 નોકરીઓના સર્જનની ખાતરી આપી છે.