ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક)ના અંદાજ મુજબ 2024ના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલની માગ રોજની સરેરાશ 23 લાખ બેરલ વધશે. જોકે સંસ્થાએ સમગ્ર 2024 માટે ઓઈલની માગનો અંદાજ સરેરાશ દૈનિક 22 લાખ બેરલ યથાવત્ રાખ્યો છે. 2025 માટે પણ તેણે દૈનિક 18.5 લાખ બેરલ વૃદ્ધિનો અંદાજ ગયા મહિને આપ્યો હતો તે યથાવત્ રાખ્યો હતો. ઓપેકના માસિક ઓઈલ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વિશ્વમાં આર્થિક વૃદ્ધિમાં સર્વિસ સેક્ટરનું યોગદાન નોંધપાત્ર રહેશે અને વિશેષમાં ટ્રાવેલ અને ટુરિઝમને કારણે ઓઈલની માગ વધશે. તેણે કહ્યું કે નોન-OECD દેશો, ચીનમાં ઓઈલની મોટાપાયે માગ વધશે અને એશિયાના અન્ય દેશોમાં પણ માગ સારી રહેશે. નોન-OECD દેશોમાં માગ જુલાઈથી ડિસેમ્બરના ગાળામાં સરેરાશ દૈનિક 21 લાખ બેરલ વધશે. OECD દેશો (ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ)માં ઓઈલની માગ આ ગાળામાં રોજની 2.5 લાખ બેરલ વધવાનો અંદાજ છે. તેમાં મોટાભાગે અમેરિકામાં માગ વધવાનો અંદાજ છે. રીપોર્ટ મુજબ એર ટ્રાવેલ એટલે કે વિમાન મુસાફરીમાં નોંધપાત્ર રીકવરી જોવા મળી છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની પણ સારી સ્થિતિ હોવાથી જેટ ફ્યૂઅલ, કેરોસીન, ગેસ, ડિસ્ટિલેટની માગ નોંધપાત્ર રીતે વધી છે.
ઓપેક અને સાથી દેશો (ઓપેક પ્લસ)એ તાજેતરમાં તેમની બેઠકમાં સપ્ટેમ્બર 2024 સુધી ઉત્પાદનમાં રોજના 22 લાખ બેરલનો કાપ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. પછી તેમાં તબક્કાવાર ઘટાડો જશે અને સપ્ટેમ્બર 2025 સુધીમાં કાપ સંપૂર્ણ દૂર કરવાની તેમની યોજના છે. ઓપેક અને તેના સાથી દેશો અત્યારે રોજનાં ઉત્પાદનમાં 60 લાખ બેરલનો કાપ મૂકી રહ્યા છે. આ પૈકી રોજના 36.6 લાખ બેરલનો કાપ 2024ના અંત સુધી અમલી બનશે. રોજના 22 લાખ બેરલનો કાપ જૂન-2024 સુધી જ રાખવાનો હતો, જે તેમણે હવે સપ્ટેમ્બર-2024 સુધી લંબાવ્યો છે.

LEAVE A REPLY