કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના દેશો મોંઘવારીની નાગચૂડમાં ફસાઈ રહ્યાં છે ત્યારે વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસે બુધવારે જણાવ્યું હતું કે યુક્રેનમાં રશિયાના યુદ્ધ તથા તેનાથી ફૂડ અને એનર્જીના ભાવ પરની અસરને કારણે વૈશ્વિક મંદી આવી શકે છે. માલપાસે યુએસ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે યોજાયેલી એક કાર્યક્રમમાં આ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. દાવોસમાં તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિ ફોરમની બેઠકમાં પણ મંદી અંગે સ્પેશ્યલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈઈએના કાર્યકારી ડિરેક્ટર ફાતિહ બિરોલે પણ ચેતવણી આપી કે, ઉનાળામાં ક્રૂડની માગમાં વધારો વૈશ્વિક મંદીનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિક ઊર્જા બજારમાં ક્રૂડની કિંમતોને વધતી રોકવા માટે દરેક દેશે યોગદાન આપવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે ઊર્જાના ઊંચા ભાવને કારણે વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર જર્મનીમાં આર્થિક વૃદ્ધિમાં તીવ્ર ઘટાડો થયો છે. ફર્ટિલાઇઝશના નીચા ઉત્પાદનને કારણે પણ બીજા દેશોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.
આઇએમએફના 2022 માટેના વૈશ્વિક વૃદ્ધિદરના અંદાજ મુજબ 2022માં 4.4 ટકા વૃદ્ધિનો અંદાજ છે, પરંતુ આ અંદાજમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. દાવોસ 2022માં ગ્લોબલ ઇકોનોમિક આઉટલૂક અંગેના સેશનમાં વૈશ્વિક નેતાઓએ વૈશ્વિક અર્થતંત્ર સામેના મંદીની શક્યતા સહિતના મુદ્દાની ચર્ચા કરી હતી.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ટાલિના જ્યોજ્યિવાએ જણાવ્યું હતું કે આઇએમએના છેલ્લાં અંદાજ પછી ક્ષિતિજોમાં કાળા વાદળો ઘેરાયા છે. તેમણે ખાસ કરીને ફૂડ પ્રાઇસના આંચકા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
વર્લ્ડ બેન્કના માલપાસે જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયાના અર્થતંત્રમાં નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે. જ્યારે યુરોપ, ચીન અને અમેરિકા ધીમી ગતિએ વિકાસ કરી શકે છે. ચીનમાં કોરોના અમેરિકામાં મોંઘવારી અને વ્યાજદર વધારાની અર્થતંત્ર પર અસર અન્ય દેશોમાં અને અંતે વિકસિત દેશોમાં મંદી નોતરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે વિકાસશીલ દેશો ખાતર, ખાદ્ય પદાર્થો અને ઉર્જા સ્ત્રોતોને કારણે વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે અને આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી શકે છે.
વિશ્વની સૌથી મોટી સેન્ટ્રલ બેંકે ફેડ રિઝર્વે 20 વર્ષનો સૌથી મોટો વ્યાજદર વધારો કર્યા છતા આગામી સમયમાં મોંઘવારીને કાબૂમાં લેવા નજીકના ભવિષ્યમાં જ વધુ બે વ્યાજદર વધારાની આગાહી કરી છે. આની સાથે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદર વધારો કરી રહી છે છતાં મોંઘવારી કાબૂમાં નથી આવી રહી અને સ્થિતિ આ પ્રમાણે જ બેકાબૂ રહેશે તો ગ્લોબલ ઈકોનોમી પર પણ ભારે દબાણ સર્જાવાની આશંકા છે.