જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે ગુરુવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે રાજીનામાના પત્રમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા પણ કરી હતી.
આઝાદે રાષ્ટ્રીય રાજકારણની જગ્યાએ જમ્મુ કાશ્મીર પરત જવાની જાહેરાત કરી હતી અને ભાજપમાં સામેલ થવાની અટકળોને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, મારા વિરોધી છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જઈ રહ્યો છું. તેઓએ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા હતા.
ગુલામ નબી છેલ્લાં ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા અને તેમણે સોનિયા ગાંધીને ઉદ્દેશીને 5 પાનાંનો પત્ર પણ લખ્યો હતો. પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર પણ ખૂબ જ પ્રહારો કર્યા હતો. પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર બાલિશ, અને છોકરમત ભર્યો વ્યવહાર દાખવવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કોંગ્રેસની ખરાબ હાલત અને 2014ની લોકસભા ચૂંટણીમાં હાર માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.