ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નિયુક્ત પછી તેમના પ્રધાનમંડળમાં ભાજપના હાઇકમાન્ડે નો રિપીટ થીયરનો અમલ કરતાં રૂપાણી સરકારના જૂના પ્રધાનો નારાજ થયા હતા અને ભારે ખેંચતાણ ઊભી થઈ હતી. તેનાથી શપથગ્રહણ સમારંભ એક દિવસ મોકૂફ રાખવો પડ્યો હતો. જોકે આખરે ઘાના ઠામમાં ઘી ઠર્યું હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ નવા પ્રધાનમંડળના સભ્યોની યાદી તૈયાર કરવામાં છેક છેલ્લી ઘડી સુધી ખેંચાખેંચ ચાલી હતી. કોને કેબિનેટમાં સ્થાન અપાશે અને કોને બહાર કરાશે તેનો આખરી નિર્ણય 15 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં થઈ શક્યો ન હતો.

મોટાભાગના સિનિયર તેમજ જુનિયર પ્રધાનોને 15 સપ્ટેમ્બરની રાત્રે જ સ્પષ્ટ કહી દેવાયું હતું કે તેઓ નવી સરકારમાં નહીં હોય. કેટલાક પ્રધાનોએ સરકારી બંગલા અને ઓફિસો પણ ખાલી કરી દીધા હતા. જોકે 15 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં મોટાભાગના જૂના પ્રધાનો માની ગયા હતા.

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનું પત્તું કપાતા જસદણમાં તેમના સમર્થકો ભેગા થયા હતા જસદણમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જોકે, બાવળિયાએ એક વિડીયો સંદેશ દ્વારા પોતાના સમર્થકોને આવો કોઈ વિરોધ ના કરવા માટે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પક્ષની નો રિપીટ થિયરીને સમર્થન આપે છે. પક્ષ દ્વારા જે કંઈ નિર્ણય લેવાશે તેનાથી તેઓ પણ સહમત છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી આવેલા બાવળિયા ઉપરાંત જવાહર ચાવડાને પણ કેબિનેટ પ્રધાન પદેથી પડતા મૂકવામાં આવ્યા હતા.

આ સિવાય જયેશ રાદડિયાનું પણ પત્તું કપાયું હતું. ભૂતપૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ 15 સપ્ટેમ્બરે જ પોતાના મતક્ષેત્ર વટવામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાનો પ્રધાનમંડળમાં સમાવેશ ના થવા પર કોઈપણ પ્રકારનો વિરોધ ના કરવો તેવી સમર્થકોને સૂચના આપી હતી.

મોટાભાગના ભૂતપૂર્વ પ્રધાનોએ પક્ષની નો રિપીટ થિયરીને સમર્થન આપ્યું હતું, પરંતુ ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન નીતિન પટેલે અકળ મૌન ધારણ કર્યું હતું. સૂત્રોનું માનીએ તો નીતિન પટેલને મનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ હજુ સુધી તેમણે મચક નથી આપી. 15 સપ્ટેમ્બરે તો એવા બિનસત્તાવાર અહેવાલ પણ આવ્યા હતા કે નારાજ નીતિન પટેલે મંગળવારે રાત્રે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હતી.