રોયલ મેઇલના સ્ટાફની અછત અને ઘણા બધા કર્મચારીઓ કોવિડ રોગચાળાના કારણે આઇસોલેશનમાં જતા રહેતા આપના પ્રિય સાપ્તાહિકો ગરવી ગુજરાત, ઇસ્ટર્ન આઇ અને એશિયન મિડીયા ગૃપ દ્વારા પ્રકાશીત અન્ય પ્રકાશનો મેળવવામાં તેમજ રોજબરોજની બધી ટપાલો મેળવવામાં લેસ્ટર, લંડન, બ્રિસ્ટોલ અને મિડલેન્ડ્સના કેટલાક વિસ્તારના લવાજમી ગ્રાહક મિત્રો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
અમે સર્વે વાચક મિત્રોને ખાતરી આપવા માંગીએ છીએ કે આપના પ્રિય સાપ્તાહિકો ગરવી ગુજરાત અને ઇસ્ટર્ન આઇ હરહંમેશની જેમ આપને નિયમીત અને સમયસર મળે તે માટે રાબેતા મુજબ મોકલવામાં આવે છે. પરંતુ રોયલ મેઇલના સ્ટાફની આ મુશ્કેલીના કારણે આપને તે સમયસર મળતા નથી. અમે આ માટે ખરેખર દિલગીરી અનુભવીએ છીએ. અમે રોયલ મેઇલ સાથે આ અંગે સતત સંપર્કમાં છીએ અને આ મુશ્કેલીનો ત્વરિત હલ આવે તે માટે પ્રયત્નશીલ છીએ.
કોવિડ રોગચાળાના કેસો ખાસ કરીને યુવાન વયના લોકોમાં વધી રહ્યા છે અને તેમાં પણ ‘પિંગડેમિક’ એટલે કે એનએચએસ ટ્રેસ એન્ડ ટ્રેસ તથા કોવિડ એપના કારણે નજીકના સંપર્કમાં આવનારા લોકોને આઇસોલેટ થવા નોટિફીકેશન મળતા હોવાથી આ સમસ્યા વકરી છે.
રોયલ મેઇલ આ મુશ્કેલીનો હલ લાવવાની કોશિષ કરી રહ્યું છે. સરકારે પણ કેટલીક એસેન્શીયલ ઇન્ડસ્ટ્રીને ‘પિંગડેમિક’માંથી મુક્તિ આપી છે. અમે આશા રાખીએ છીએ કે આ તકલીફનો ખૂબ જ નજીકના ભવિષ્યયમાં અંત આવી જશે.
રોયલ મેઇલે વિવિધ પોસ્ટ કોડ વિસ્તારમાં અનુભવાતી આ તકલીફ અંગે અમને ઇમેઇલ પાઠવીને જણાવ્યું હતું કે ‘’અમને ખૂબ જ દુ:ખ થાય છે કે સ્ટાફના રિસોર્સિંગ અને સેલ્ફ આઇસોલેશનના કારણે અમે સેવાઓમાં કેટલાક સમયનો વિલંબ અનુભવી રહ્યાં છીએ. જે આગામી અઠવાડિયા સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. આના કારણે થતી કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમે જલદીથી અમારી સામાન્ય સેવા પર પાછા આવીશું.’’
આપ વર્ષોથી વિવિધ રીતે ‘ગરવી ગુજરાત’ સાથે જોડાયેલા છો અને જે રીતે સાથ સહકાર અને સદ્ભાવ દાખવી રહ્યા છો તે જ રીતે ભવિષ્યમાં સાથ સહકાર આપતા રહેશો તેવી આશા.
આ તકલીફને સહન કરવા બદલ આપ સૌનો ખૂબખૂબ આભાર.
- વ્યવસ્થાપક