જર્મનીના મુંબઈસ્થિત કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.
મુખ્ય પ્રધાને આ મુલાકાત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2024માં જર્મની પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, તેનો ઉલ્લેખ કરી સમિટની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, આ સમિટમાં સસ્ટેઈનેબલ ગ્લોબલ સપ્લાય ચેઈન-ઈન્ડો જર્મન પરસ્પેક્ટિવ અંગે કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું તેની પણ યાદ તાજી કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા ઈચ્છુક જર્મન ઉદ્યોગકારોને રાજ્ય સરકારના સહયોગની નેમ દર્શાવી હતી.
ગુજરાતમાં જર્મનીની પ્રતિષ્ઠિત કંપનીઝ કાર્યરત છે તે ઉપરાંત ગિફ્ટસિટીમાં ડોઈશ બેન્ક પણ શરૂ થઈ છે, તેમને ગુજરાતમાં કામ કરવાનું સાનુકૂળ વાતાવરણ મળ્યું છે, એમ પણ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું. ગિફ્ટ્સિટીમાં જર્મનીના હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ્સ શરૂ થઈ શકે તે દિશામાં પણ મુખ્ય પ્રધાને જર્મન કોન્સ્યુલ જનરલ સાથે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતમાં ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન તથા ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટમાં વૈશ્વિક સ્તરની તાલીમની ગુણવત્તા માટે રાજ્ય સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટ્મેન્ટ અને જર્મનીની કંપની વચ્ચે થયેલા એમ.ઓ.યુ. વિશે પણ વાતચીત કરી હતી અને તેના પરિણામે સ્કિલ્ડ વર્ક ફોર્સનો લાભ મળતો થયો છે તેમ પણ ઉમેર્યું હતું. જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ તેમ જ ટુરિઝમ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા સેક્ટર્સમાં સહયોગ માટેની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્ય પ્રધાને જર્મન કોન્સ્યુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગરીની કૃતિ સ્મૃતિ રૂપે ભેટ આપી હતી.