પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકા સરકારની હેલ્થકેર એજન્સી મેડિકેર સાથે 463 મિલિયન ડોલરના કૌભાંડમાં સંડોવણી બદલ જ્યોર્જિયા રાજ્યના ભારતીય મૂળના મીનલ પટેલને શુક્રવારે 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હવે મીનલ પટેલની સંપત્તિ જપ્ત કરવાની સુનાવણી 25 ઓગસ્ટે થશે.

મિનલ પટેલ લેબસોલ્યુશન્સ નામની લેબના માલિક છે અને તેમને જરૂર ન હતી તેવા દર્દીઓના જેનેટિક અને બીજા લેબોરેટરી ટેસ્ટ કર્યા હતાં.

463 મિલિયન ડોલરના જેનેટિક અને બીજા લેબોરેટરી ટેસ્ટ સબમિટ કરીને મેડિકેર સાથે છેતરપિંડી કરવાની યોજનામાં ભૂમિકા બદલ મીનલ પટેલને આ સજા કરાઈ હતી. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે શુક્રવારે જણાવ્યું હતું કે, 44 વર્ષના મીનલ પટેલે પેશન્ટ બ્રોકર્સ, ટેલિમેડિસીન કંપનીઓ અને કોલ સેન્ટરો સાથે ષડયંત્ર કરીને ટેલિમાર્કેટિંગ કોલ કરીને મેડિકેરના લાભાર્થીઓને જણાવ્યું હતું કે તેમના પેકેજમાં મોંઘા કેન્સર જેનેટિક ટેસ્ટનો સમાવેશ થાય છે. મેડિકેરના લાભાર્થીઓને ટેસ્ટ માટે તૈયાર કરીને મીનલ પટેલે ટેસ્ટ માટે ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન મેળવવા માટે પેશન્ટ બ્રોકર્સને લાંચ આપી હતી. લાંચની રકમ છુપાવવા માટે તેમને પેશન્ટ બ્રોકર્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યા હતાં અને ખોટી રીતે જણાવ્યું હતું કે પેશન્ટ બ્રોકર્સ લેબસોલ્યુશન્સ માટે કાયદેસરની એડવર્ટાઇઝિંગ સર્વિસ પૂરી પાડે છે.

જુલાઈ 2016થી ઓગસ્ટ 2019ની વચ્ચે લેબસોલ્યુશન્સે મેડિકેર સમક્ષ 46.3 કરોડ ડોલરના દાવા કર્યા હતા. તેમાં મેડિકલની દ્રષ્ટી બિનજરૂરી જેનેટિક ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. આવા મેડિક્લેમ માટે નેશનલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામે 18.7 કરોડ ડોલરની ચુકવણી કરી હતી. આ સમયગાળામાં મીનલ પટેલને મેડિકેર પાસેથી વ્યક્તિગત રીતે 2.1 કરોડ ડોલર મળ્યાં હતાં.

એફબીઆઈ માયામી ફિલ્ડ ઓફિસના સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ જેફરી બી વેલ્ટ્રીએ જણાવ્યું હતું કે જે દર્દીઓને જરૂર હોય તેમને કાયદેસર જેનેટિક ટેસ્ટ અને ટેલિમેડિસન સર્વિસની જોગવાઈમાં છેતરપિંડી અને લાંચને કોઈ સ્થાન નથી. મીનલ પટેલે જટિલ ટેસ્ટિંગ ફ્રોડ સ્કીમ  દ્વારા મેડિકેરમાંથી કરોડો ડોલરની રકમ ઉઘરાવી હતી. હવે તે આ ગુનાની કિંમત ચૂકવી રહ્યાં છે.

LEAVE A REPLY