- એક્સક્લુઝીવ
- બાર્ની ચૌધરી
બ્રિટનના ટોચના સાઉથ એશિયન ન્યૂઝરીડર જ્યોર્જ અલાગિયાએ જીવતા રહ્યા તે બદલ નસીબદાર હોવાનું જણાવી દક્ષિણ એશિયાના પુરૂષો અને સ્ત્રીઓ કેન્સરનો ટેસ્ટ કરાવવા માટે પરિવારોના ઋણી છે એમ જણાવી લોકોને બને તેટલી વહેલી તકે કેન્સરનો ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.
શ્રીલંકામાં જન્મેલા અને નવ વર્ષથી આંતરડાના કેન્સર સાથે જીવતા બીબીસીના પત્રકાર જ્યોર્જે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “કેન્સરની સારવાર વિશે જે જાણું છું તે જોતાં તે ખૂબ જ પડકારજનક છે. મારા પર લગભગ પાંચ વિશાળ ઓપરેશન કરાયા છે. તે પછી કીમોથેરાપી કરાઇ હતી. જે બધાં જ પીડા આપતા હતા. તેની આડઅસર તરીકે થાક લાગતો, ઉબકા આવતા, ત્વચામાં તિરાડ પડતી અને આંગળીઓ અને અંગૂઠાના નખમાં રક્તસ્ત્રાવ થતો. પોતાને ગ્લોરીફાઈડ પ્લમ્બર કહેતા મારા એક સર્જને કહ્યું હતું કે જો તમને વહેલા ખબર પડી હોત તો તે કદાચ તમારા આંતરડામાં ગાંઠની શરૂઆત હોત. બે છેડા જોડીને તેનાથી છૂટકારો મળી જાત. કીમોથેરાપીની જરૂર પણ ન પડત.’’
તેઓ કહે છે કે “જ્યારે તમે તેને વિકસિત થવા દો છો, ત્યારે તમે માત્ર મૃત્યુનું જોખમ જ નથી લેતા, પરંતુ તમે તેને વધુ લાંબું, મુશ્કેલ અને પડકારજનક પણ બનાવો છો. તે માત્ર તમારા માટે જ નહીં, પરંતુ તમે જેને પ્રેમ કરો છો તે લોકો માટે પણ. તેમને માટે ખૂબ, ખૂબ, અઘરું કામ બની જાય છે.”
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે પણ સાઉથ એશિયન સમુદાયોને કેન્સર માટે ટેસ્ટ કરાવવા જ્યોર્જના કૉલને સમર્થન આપ્યું છે. જાવિદના પિતા આંતરડાના કેન્સરથી ખૂબ મોડું થયા પછી મૃત્યુ પામ્યા હતા.
જાવિદે ગરવી ગુજરાતને કહ્યું હતું કે આંતરડાનું કેન્સર ભયાનક, જીવલેણ રોગ છે. મારા પિતાનું લગભગ 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું. હું ઘણી વાર વિચારું છું કે જો તેમણે શરૂઆતના કેટલાક લક્ષણો પારખીને કેટલાક સરળ ટેસ્ટ કર્યા હોત, તો કદાચ તેઓ આજે જીવતા હોત. દરેક વ્યક્તિ આ ટેસ્ટ વિશે જાણે છે અને તે ઘરે સરળતાથી કરવામાં આવે છે. હવે, ટેકનોલોજી આવી ગઈ છે. તમે આંતરડાના કેન્સર માટે ટેસ્ટિંગ કીટ મેળવી શકો છો, તે ખરેખર કામ કરે છે અને જીવન બચાવે છે. જો તમે કેન્સરને વહેલું શોધી કાઢો, તો તમે તેના વિશે કંઈક કરી શકો છો.”
સાજીદ જાવિદ ઇચ્છે છે કે દક્ષિણ એશિયનોની તપાસ કરવામાં આવે જેથી તે ડેટા તેમના વિભાગની 10-વર્ષની કેન્સર યોજનામાં ફીડ થઈ શકે.
તેમણે કહ્યું હતું કે “કેન્સર અંગે જાણ કરવા માટે, મેં યુકેના લોકો, દક્ષિણ એશિયાના લોકો, ચાહે તે ગમે તે પૃષ્ઠભૂમિના હોય, તેમને અમારા ટેસ્ટીંગ વિષે, અમે વધુ શું કરી શકીએ તે વિશે જણાવવા અપીલ કરી છે. તે અંગે ચોક્કસ સૂચનો મળ્યા છે. હું ડેટા પરથી જાણું છું કે ખાસ કરીને પાકિસ્તાની અને બાંગ્લાદેશી પૃષ્ઠભૂમિની એશિયન મહિલાઓ સ્તન કેન્સર માટે સ્ક્રીનીંગ માટે જાય તેવી શક્યતાઓ ઓછી છે.
2014માં ડોકટરોએ અલાગિયાને સ્ટેજ 4 ટર્મિનલ કેન્સરનું નિદાન કર્યું હતું. તેમને કોઈ શારીરિક લક્ષણો ન હતા. સ્કીઈંગની રજા દરમિયાન તેમના સ્ટૂલમાં લોહી દેખાયું હતું. તેમણે કહ્યું હતું કે ‘’જો તમે ટેસ્ટ કરાવ્યા વગર છોડી દો તો તે વધુ ખરાબ નહિં, તે મૃત્યુ જ છે. મને લાગે છે કે ટેસ્ટની જરૂરિયાત સમજવામાં મદદ કરવા માટે ઘણું શિક્ષણ જરૂરી છે. મારો એક જ સંદેશો છે કે, હું ખૂબ જ નસીબદાર રહ્યો છું અને જો તમે મારી જેમ મોડું કરશો તો કોઈ ગેરેંટી નથી કે તમે બચશો કે નહિં.’’
NHS સાઉથ એશિયાના લોકોને વિશ્વની સૌથી મોટી મલ્ટી-કેન્સર સ્ક્રીનીંગ ટ્રાયલમાં ભાગ લેવા વિનંતી કરી રહ્યું છે. તે NHS અને હેલ્થકેર કંપની, GRAIL સાથે ભાગીદારીમાં કેન્સર રિસર્ચ યુકે અને કિંગ્સ કોલેજ લંડન કેન્સર પ્રિવેન્શન ટ્રાયલ યુનિટ દ્વારા ચલાવવામાં આવે છે. તેઓ બર્મિંગહામ, લેસ્ટર, બોલ્ટન અને અન્ય સ્થળોએ મોબાઈલ ક્લિનિક્સ મોકલનાર છે. તે સેલ-ફ્રી ડીએનએ નામના આનુવંશિક કોડના ટુકડાઓમાં રાસાયણિક ફેરફારો શોધીને કામ કરે છે જે ગાંઠોમાંથી લોહીના પ્રવાહમાં લીક થાય છે.
ગ્રેલ યુરોપના પ્રમુખ સર હરપાલ કુમારે જણાવ્યું હતું કે “યુકેમાં, અમારી પાસે સ્તન કેન્સર, આંતરડાના કેન્સર અને સર્વાઇકલ કેન્સર માટે ત્રણ પ્રકારના કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામ છે. પરંતુ, કેન્સરથી થતા મૃત્યુના 80 ટકા લોકો આ ત્રણ પ્રકારથી મરતા નથી. અમે NHS સાથે નવી ટેક્નોલોજીનો ગેલેરી ટેસ્ટ કરીએ છીએ જે બ્લડ ટેસ્ટ છે. તેનાથી 50થી વધુ પ્રકારના કેન્સર શોધી શકાય છે. અને કેન્સરના 99.5 ટકા સંભવિત કેસો શોધી શકાય છે. તેમાં માથા અને ગરદન, આંતરડા, ફેફસાં, સ્વાદુપિંડ અને ગળાના કેન્સરનો સમાવેશ થાય છે. ડીએનએની વિકૃતિઓ અમને સંકેત આપે છે કે કોઈ વ્યક્તિને કેન્સર થવાની સંભાવના છે કે નહીં. દક્ષિણ એશિયાના લોકો બહુ તપાસ કરાવતા નથી.’’
સર હરપાલ સાઉથ એશિયન સમુદાયના નેતાઓને તેમના સમાજના લોકો સ્ક્રિનિંગ અને સંશોધનમાં ભાગ લે તે માટે દબાણ કરવા વિનંતી કરી રહ્યા છે.
જાવિદ કહે છે કે ‘’ફાર્માસિસ્ટ્સે રોગચાળા દરમિયાન રસીકરણ માટે સલાહ આપી હતી. મને અમારા કોમ્યુનિટી ફાર્માસિસ્ટ પર ખૂબ ગર્વ છે. બધા ફાર્માસિસ્ટ સક્ષમ છે અને રાષ્ટ્રના આરોગ્યની આગેવાનીમાં મદદ કરવા માટે ઘણું બધું કરવા માંગે છે. કેન્સરના ટેસ્ટ, લક્ષણો અને અન્ય માહિતી આપવા તેઓ ખૂબ જ મૂલ્યવાન ભૂમિકા ભજવી શકે છે.
જ્યોર્જ કહે છે કે “સારવારના મારા નવ વર્ષ પછી મને લાગે છે કે હું નસીબદાર છું, દરેક દિવસ એક ભેટ લાગે છે. પત્રકાર અને કટારલેખક ડેબોરાહ જેમ્સને મારા પછી આંતરડાનું કેન્સર થયું હતું અને તેણી જીવન સંભાળના અંતનો સામનો કરી રહ્યા છે. હું મારી સ્કીઇંગ હોલીડે પર હતો ત્યારે મેં જોયું કે મારા સ્ટૂલમાં થોડું લોહી હતું. મેં ગૂગલ પર સર્ચ કર્યું તો અન્ય ઘણી વસ્તુઓ સાથે કેન્સરની નિશાની પણ હોઈ શકે છે તેમ જણાવાયું હતું. હું જી.પી.ને મળ્યો અને તેમણે બલ્ડ ટેસ્ટ કર્યા હતા. પછી કન્સલ્ટન્ટે સ્કેન કર્યું અને દર્દશામક દવા આપી મને કેન્સર હોવાનું જણાવતાં હું જાગી ગયો હતો. કેન્સર મારા યકૃત અને મારા લસિકા તંત્રમાં હતું અને તેનો ચોથો તબક્કો હતો. મને બહુ આઘાત લાગ્યો હતો અને આશ્ચર્યચકિત થયો હતો. મેં વજન ગુમાવ્યું હતું. ડોક્ટર્સ તરત જ ઇચ્છતા હતા કે હું અન્ય ટેસ્ટીંગ માટે જાઉં. હું ખરેખર ડરતો હતો. મેં પત્ની ફ્રાન્સીસને સીધા હોસ્પિટલમાં જવા કહ્યું હતું અને પછી મને નિદાન થયું હતું.
આવતા અઠવાડિયે બાર્ની ચૌધરી કેન્સરછી બચેલા લોકો સાથે વાત કરી સમજાવશે કે સાઉથ એશિયન લોકોને શા માટે સ્ક્રીનીંગ કરાવવાની જરૂર છે.