પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં 9થી 22 ડિસેમ્બરે આવેલા અને કોરોના પોઝિટિવ હોય તેવા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનો જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ થશે. બ્રિટનમાં તાજેતરમાં ફેલાયેલા નવા પ્રકારના કોરોના વાઇરસના ભારતમાં પણ છ કેસ મળી આવ્યા બાદ સરકારે મંગળવારે આ નિર્ણય કર્યો હતો.

જિનોમ સિક્વન્સિંગ અંગેના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગાઇડન્સ ડોક્યુમેન્ટમાં જણાવાયું હતું કે છેલ્લાં 14 દિવસ (9થી 22 ડિસેમ્બર) દરમિયાન ભારતમાં આવેલા અને કોરોના પોઝિટિવ હોય તેવા તમામ ઇન્ટરનેશનલ પેસેન્જર્સનો જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ થશે. બીજા તમામ મુસાફરો પર રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર દેખરેખ રાખશે. આવા મુસાફરોનો આગમનના પાંચમાં અને દસમાં દિવસે આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ ટેસ્ટ થશે.

બ્રિટનમાં જોવા મળેલા નવા પ્રકારના વાઇરસના કેસો ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં કેસ જોવા મળ્યા છે.

ભારતમાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. દેશમાં છ સંક્રમિતમાં આ વાઈરસ મળ્યો છે. આ બધા તાજેતરમાં જ બ્રિટનમાંથી પરત ફર્યા હતા. જોકે હાલ એ જાણવા મળ્યું નથી કે આ દર્દીઓને એ ક્યાંથી મળ્યો છે. આ પૈકીનાં ત્રણ સેમ્પલ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પુણેની ઈન્સ્ટિટયૂટમાં મોકલવામાં આવ્યાં હતાં. બ્રિટનમાં મળેલો આ વાઈરસ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાઈ રહ્યું છે.

બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના વધુ ખતરનાક બે વેરિયન્ટ મળી ચૂક્યા છે. પ્રથમ વેરિયન્ટ મળ્યા પછી ભારત સરકારે 21 ડિસેમ્બરે બ્રિટનમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જે લોકો આ પહેલાં ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા તેમનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

ૃૃૃૃૃૃ