Genesis Group founder Sir Ashok Rabheru passes away

અગ્રણી બિટિશ ઉદ્યોગપતિ અને જિનિસિસ ગ્રૂપના સ્થાપક સર અશોક રાભેરુ KCVO DLનું શુક્રવાર, 23 ડિસેમ્બર 2023ના રોજ ઘરમાં પ્રિયજનોની હાજરીમાં અવસાન થયું હતું. તેઓ 70 વર્ષના હતા. સર અશોક રાભેરુ તેમની પત્ની હર્ષિદા તથા સંતાનો નિકિતા, ઋષિ અને શયાનને વિલાપ કરતાં છોડી ગયા છે. તેમણે જાણતા હતા તેઓ તમામ તેમને ખૂબ યાદ કરશે.

તેમનો જન્મ 6 એપ્રિલ 1952ના રોજ મોરોગોરો, તાન્ઝાનિયામાં માતા-પિતા જીવરાજ લવજી રાભેરુ અને રાલિયત જીવરાજ રાભેરુને ત્યાં થયો હતો. તેઓ 7 ભાઈઓ અને 3 બહેનો એમ 10 સંતાનોમાં બીજા ક્રમના સૌથી નાના સંતાન હતા. તેઓ લોહાણા સમાજના અગ્રણી હતા.

તેમના પિતા ગુજરાતના વેરાવળના સન્માનીય બિઝનેસમેન હતા. તેઓ એક અગ્રણી ઉદ્યોગસાહસિક હતા. પિતાએ હંમેશા સખત મહેનત કરી હતી અને પરિવારની સંભાળ રાખતા હતા તથા વધુ સારા જીવન માટે પ્રયત્ન કર્યો હતા. પિતાના તમામ ગુણો સર અશોકને વારસામાં મળ્યા હતા.

સર અશોક 1967માં માત્ર 15 વર્ષની ઉંમરે વધુ સારી તકો, શિક્ષણ અને તાન્ઝાનિયામાં રાજકીય અશાંતિને કારણે નવી આશા સાથે ઈંગ્લેન્ડમાં આવ્યા હતા. તેની પાસે પૈસા ન હતા, અંગ્રેજી સારી રીતે બોલતા ન હતા અને તેમના ભાઈ સી જે રાભેરુ સિવાય કોઈને ઓળખતા ન હતા. આ તમામ અવરોધો હોવા છતાં તેમણે અભ્યાસ કર્યો હતો. અહીં તેઓ જીવનના પ્રેમ હર્ષિદાને મળ્યા હતા. બંનેએ કેન્યામાં 1980ના ઉનાળામાં લગ્ન કર્યા હતા.

સર અશોકે યુનિવર્સિટી કોલેજ લંડનમાં ભૌતિકશાસ્ત્રમાં બીએસસીનો અભ્યાસ કર્યો હતો.. તેમણે ઘણા વર્ષો સુધી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું અને રોયલ હોલોવે કોલેજમાં એપ્લાઇડ મેથેમેટિક્સમાં એમફિલ (એડવાન્સ્ડ પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી) કર્યું હતું અને આ પછી યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ) ખાતે કોમ્પ્યુટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો હતો.

સર અશોક રાભેરુએ IT ઇન્ડસ્ટ્રીમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1985માં IT સોફ્ટવેર સોલ્યુશન્સ અને પ્રોક્યોરમેન્ટ કંપની, Genisys Groupની સ્થાપના કરી હતી. પાંચ કર્મચારી સાથેની આ કંપનીએ નોંધપાત્ર વિકાસ કર્યો હતો તથા હાલમાં 3 ખંડોમાં ઓફિસો ધરાવે છે અને 1,000 થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે.

અગ્રણી બિઝનેસ લીડર તરીકે અશોક રાભેરુ બે બિઝનેસ ડેલિગેશનમાં ટોની બ્લેરની સાથે ગયા હતા. સફળ IT વ્યવસાય ચલાવવાની સાથે સર અશોક વિવિધ સખાવતી સંસ્થાઓને ટેકો આપવા માટે પણ સમય કાઢ્યો હતો. સર અશોક 2000-2010ની દરમિયાન એડિનબર્ગના ડ્યુક એવોર્ડના ટ્રસ્ટી હતા અને 2006માં એવોર્ડની 50મી વર્ષગાંઠ માટે આયોજન અને ભંડોળ એકત્ર કરવા માટેના સ્ટીયરિંગ ગ્રૂપના અગ્રણી સભ્ય હતા.

2010થી તેઓ DoE UK અને ઈન્ટરનેશનલ જોઈન્ટ ફંડિંગ બોર્ડના અધ્યક્ષ પદે હતા. તાજેતરમાં જ તેમણે હિઝ રોયલ હાઇનેસ ધ પ્રિન્સ ફિલિપ, એડિનબર્ગના ડ્યુકની શતાબ્દીની ઉજવણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સર અશોકે ત્રણ વર્ષની કેમ્પેઇન, ધ ફાઉન્ડર્સ 100 લેગસી ફંડનીને લોન્ચ કરવામાં પ્રિન્સ એડવર્ડ, વેસેક્સના અર્લને મદદ કરી હતી.

સર અશોક કોમ્બેટ સ્ટ્રેસ, ડેબ્રા તથા મેડિકલ રિસર્ચ સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટી કોલેજ લંડન અને ઈમ્પીરીયલ કોલેજ સહિત અનેક સખાવતી સંસ્થાઓના સક્રિય સમર્થક હતા. તેમણે એશિયન કમ્યુનિટી માટે પણ મદદ કરી હતી. તેમણે હાર્ટ ઓફ બક્સ, પેસ સેન્ટર, વ્હીલ પાવર અને વેક્સહામ પાર્ક નિયોનેટલ યુનિટ જેવી નાની સ્થાનિક સખાવતી સંસ્થાઓને ટેકો આપવા માટે પણ ગર્વ અનુભવ્યો હતો.

વ્યાપક ચેરિટી કાર્યો અને ખાસ કરીને, ડ્યુક ઓફ એડિનબર્ગના એવોર્ડના ટ્રસ્ટી તરીકેની તેમની ભૂમિકાના સન્માનમાં તેમને 2011ના CVO (કમાન્ડર ઓફ ધ વિક્ટોરિયન ઓર્ડર)નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યુસીએલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે, સર અશોક 1974માં સ્નાતક થયા ત્યારથી જ યુસીએલના સમર્પિત સમર્થક રહ્યાં હતા.

સૌથી નોંધપાત્ર સન્માન એ છે કે 2022માં અશોક જે રાભેરુને મહારાણી એલિઝાબેથ IIની પ્લેટિનમ જ્યુબિલી બર્થડે ઓનર્સ લિસ્ટમાં નાઈટહૂડનું દુર્લભ સન્માન આપવામાં આવ્યું હતું. તેઓ ધ ડ્યુક ઓફ એડિનબર્ગના એવોર્ડ માટેના તેમના કામના સન્માન તરીકે રોયલ વિક્ટોરિયન ઓર્ડરના નાઈટ કમાન્ડર બન્યા હતા.

સર અશોકની કહાની વિષમતાઓ અને પ્રતિકૂળતાનો સામનો કરીને પ્રગતિ કરવાની છે. તેમણે હંમેશા સખત મહેનત કરી હતી અને ક્યારેય હાર ન માની. તે એક સફળ ઉદ્યોગપતિ બન્યા ત્યારે પણ તેઓ હંમેશા પોતાના કરતા ઓછા ભાગ્યશાળી લોકોને મદદ કરવાની પ્રતિબદ્ધતા ધરાવતા હતા. તેઓ પોતાના સમય, સંપત્તિ અને જ્ઞાનથી ઉદાર હતા. હંમેશા લોકોને તેમનું શ્રેષ્ઠ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. જરૂરિયાતમંદ મિત્રને મદદ કરવા માટે તેઓ શક્ય તમામ પ્રયાસ કરતાં હતા. પોતાના વ્યસ્ત સમયમાં પણ તેઓ ક્રિકેટ અને ફૂટબોલ સમર્થક હતા અને ગોલ્ફ રમવાનો આનંદ માણતા હતા. હતો.

તેમના જીવન અને વારસાની ઉજવણી કરવા માટે મેમોરિયલ સર્વિસ સેન્ટ જેમ્સ ચર્ચ, ગેરાર્ડ્સ ક્રોસ ખાતે યોજવામાં આવશે. આ અંગેની વિગતો હજુ જાહેર કરાઈ નથી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments