વડાપ્રધાન ઋષિ સુનક આગામી ઑટમ સુધી પોતાની સરકાર ચાલુ રાખવાની આશા સાથે નવેમ્બર 2024માં યોજાનારી અમેરિકાની ચૂંટણીઓ વખતે જ યુકેની સામાન્ય ચૂંટણીઓ યોજવાનું ટાળવા માટે અપીલ કરી છે. આમ કરવા પાછળનું કારણ એવું છે કે સુનક અર્થતંત્રમાં પૂરતો સુધારો થશે તેવી આશા સાથે કન્ઝર્વેટિવ્સ પાર્ટી પરની લેબર પક્ષની લીડના તફાવતને ઓછો કરવા માંગે છે.
યુકેના અધિકારીઓએ કેબિનેટ મિનિસ્ટર્સને ચેતવણી આપી છે કે યુ.એસ.ની સાથે જ ચૂંટણીઓ યોજવાથી “વિશાળ” સુરક્ષા જોખમો ઉભા થશે. જો બે ‘ફાઇવ આઇઝ’ દેશો એકસાથે ચૂંટણીઓ યોજશે તો ભારે સુરક્ષા અને બજારો પર અસરો પડી શકે છે. સંભવ છે કે સાયબર વોરફેર અને પ્રતિકૂળ દેશો ચૂંટણીઓમાં હેરાફેરી કરી શકે છે અને જો ચૂંટણી ઝુંબેશ દરમિયાન સુરક્ષા જોખમ ઊભું થશે તો તે પશ્ચિમી દેશોને ખુલ્લા પાડશે. સરકારના પ્રવક્તાએ કહ્યું: “સુરક્ષા સર્વોપરી છે અને સરકાર યુકે અને તેની લોકશાહી પ્રક્રિયાઓ અને સંસ્થાઓના રક્ષણ માટે પગલાં લેવાનું ચાલુ રાખે છે.’’
વ્હાઇટહોલના બીજા સ્ત્રોતે કહ્યું હતું કે “રાષ્ટ્રીય સુરક્ષા અને દુશ્મન દેશોની દખલની વધુ કાળજી લેવી પડશે. સલાહ એ છે કે અથડામણવાળી ચૂંટણી ટાળવી શ્રેષ્ઠ છે.’’
યુકેની ચૂંટણી આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાવાની સૌથી સંભવિત તારીખ હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. કાયદેસર રીતે 28 જાન્યુઆરી 2025 સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે. જો કે લેબર આગામી મે માસમાં ચૂંટણી થશે એમ માની તૈયારી કરી રહ્યું છે.