એક સંશોધનના તારણ મુજબ, ફેમિલી ડોકટર્સના ક્લિનિક ‘વારંવાર આવનારા’ નાના દર્દીઓના ગ્રૂપથી ભરાઈ રહ્યા છે, આવા ડોક્ટર્સ પાસે અન્ય દર્દીઓ કરતાં પાંચ ગણી વધુ એપોઇન્ટમેન્ટ્સ છે.
છેલ્લા બે દસકામાં યુકેમાં 1.7 બિલિયન GP કન્સલ્ટેશન્સના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, તમામ એપોઇન્ટમેન્ટ્સમાંથી 40 ટકા તો માત્ર દસ ટકા નિયમિત દર્દીઓ દ્વારા લેવામાં આવે છે. આ ‘નિયમિત’ દર્દીઓ વર્ષમાં લગભગ 60 વખત તેમની GP સર્જરીમાં હાજર રહે છે, જેમનું પ્રમાણ અન્ય દર્દીઓ કરતાં પાંચ ગણું વધારે છે.
આ દર્દીઓમાં મુખ્યત્વે વૃદ્ધ લોકો હોય છે, ખાસ તો તેમાં મહિલાઓ, ડાયાબિટીસ, ચિત્તભ્રમ અથવા હૃદયરોગ જેવા જટીલ રોગોથી પીડિત છે, જેને નિયમિત રીતે દેખરેખની જરૂર હોય છે.
યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સંશોધનમાં 20 વર્ષોમાં 12.3 મિલિયન દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષમાં ‘વારંવાર મુલાકાત લેનારાઓમાં’ એપોઇન્ટમેન્ટ્સની સંખ્યા બે ગણી થઈ છે.
આ સ્થિતિને કારણે ફેમિલી ડોકટર્સ પર ‘બિનઆયોજિત’ કામનું ભારણ વધ્યું છે અને તેના કારણે મહામારી અગાઉ પણ અન્ય દર્દીઓની રૂબરૂ મુલાકાતમાં પણ ઘટાડો થયો છે.
આ સંશોધનના લેખક પ્રોફેસર ઇવાન કોન્ટોપાન્ટેલીસે જણાવ્યું હતું કે, ‘આ પ્રથમ અભ્યાસ છે જે દર્શાવે છે કે વારંવાર હાજરી આપનારા, ટોચના 10 ટકા કન્સલ્ટર્સ દ્વારા છેલ્લા 20 વર્ષમાં યુકેભરમાં સામાન્ય પ્રેક્ટિસમાં કામનું ભારણ વધારવામાં મોટા પ્રમાણમાં અને ક્રમશઃ વધુ યોગદાન આપવામાં આવ્યું છે. ‘સામાન્ય રીતે ઓછી સંખ્યામાં દર્દીઓ જનરલ પ્રેક્ટિશનરના કામના ભારણના મોટા હિસ્સા માટે જવાબદાર છે, જેમાં રૂબરૂ કન્સલ્ટેશનનો સમાવેશ થાય છે.
વર્ષ 2000-01માં 38 ટકાની સરખામણીએ 2018-19માં આ તમામ એપોઇન્ટમેન્ટ્સ 43 ટકા હતી.
બ્રિટિશ મેડિકલ એસોસિએશન અત્યારે સરકારની યોજનાઓ પર ઔદ્યોગિક કાર્યવાહીનો સામનો કરી રહ્યું છે જેથી તેઓ દર્દીઓને વધુ સંખ્યામાં જોઇ શકે.