બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી જેનેલિયા ડિસોઝા દેશમુખનું ડિજિટલ પદાર્પણ થઇ રહ્યું છે. જેનેલિયાની આ પ્રથમ ઓટીટી ફિલ્મ ‘ટ્રાયલ પીરિયડ’ છે. જેનેલિયાએ તેમાં બંગાળી માતાનો રોલ કર્યો છે, જે એકલા હાથે સંતાનને ઉછેરે છે. દીકરાની દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઝઝૂમતી એકલ માતાની અનોખી કહાની આ ફિલ્મમાં જોવા મળશે.
આ ભૂમિકા અંગે જેનેલિયાએ જણાવ્યું હતું કે , અગાઉ ક્યારેય બંગાળી મહિલાનો રોલ કર્યો નથી. તેથી આ પ્રકારનું કેરેક્ટર મારા માટે નવું શીખવાની તક સમાન છે. કેરેક્ટર મુજબનો યોગ્ય લૂક હોય તો અભિનયનું અડધું કામ થઈ જાય છે. ફિલ્મના ડાયરેક્ટર અલેયા સેન અંગે વાત કરતાં જેનેલિયાએ કહ્યું કે, તેઓ પહેલેથી ક્લિયર હતા કે કેવા એક્સપ્રેશન અને બોડી લેન્ગવેજ જોઈએ છે. આ બધું તેમને નેચરલ જોઈતું હતું અને તેના માટે ઘણી મદદ કરી હતી. બંગાળી મહિલાના રોલ માટે જેનેલિયા બંગાળી શીખી હતી. ફિલ્મમાં જેનેલિયાનું કેરેક્ટર દિલ્હીનું છે. જે હિન્દી અને અંગ્રેજી ભાષા વધારે બોલે છે. ડાયરેક્ટર અલેયા સેનના મતે આ રોલ માટે જેનેલિયા પરફેક્ટ છે. તેઓ દિલ્હીમાં રહેતી અર્બન બંગાળી સિંગલ મધરનો રોલ કરે છે. આ ફિલ્મમાં જેનેલિયાની સાથે માનવ કૌલ લીડ રોલમાં છ અને તેમાં જેનેલિયા પોતાના દીકરાની ઈચ્છા પૂરી કરવા ૩૦ દિવસ માટે હંગામી પિતાની શોધ કરતી જોવા મળશે. આ ફિલ્મ ૨૧ જુલાઈએ જિયો સિનેમા પર રિલીઝ થશે.