ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ અમેરિકાના આટલાન્ટામાં રવિવારે (27 માર્ચ) યોજાયેલા લોકડાયરામાં યુક્રેન માટે 3 લાખ ડોલર એકઠા કર્યા હતા. આ લોકપ્રિય ગુજરાતી ગાયિકાના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો હતો. જ્યોર્જિયાના એટલાન્ટામાં ગુજરાતી એનઆરઆઇએ આ લોકડાયરીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી ભીડ ઉમટી પડી હતી.
ગીતા રબારીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ લોકડાયરાના ફોટા પોસ્ટ કર્યા હતા, જેમાં દેખાય છે કે યુક્રેનના લોકોને મદદ કરવા માટે લોકોએ ડોલરનો વરસાદ કર્યો હતો.
લોકડાયરાનું આયોજન સુરત લેઉવા પટેલ સમાજે (SLPS) કર્યું હતું અને તેમાં યુક્રેનના લોકો માટે 3 લાખ ડોલર (આશરે રૂ.2.25 કરોડ) એકત્ર થયા હતા.
26 વર્ષની લોકગાયિકા ગીતા રબારીએ ઘણા મ્યુઝિક આલ્બમ બનાવ્યા છે. ફેબ્રુઆરી 2020માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના “નમસ્તે ટ્રમ્પ” ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલિન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં પણ તેણે પર્ફોર્મન્સ આપ્યું હતું.
કચ્છની કોયલ’ તરીકે જાણીતા ગીતા રબારી અત્યારે પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકામાં છે. અમેરિકાના અલગ-અલગ શહેરમાં તેઓ લોકડાયરો કરી રહ્યા છે. તેમના અવાજના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ છે.
અગાઉ ગીતાબેન રબારીએ ટેક્સાસના હ્યુસ્ટનમાં લોકડાયરામાં રમઝટ બોલાવી હતી. અલગ-અલગ ભજન અને ગીત ગાઈને દર્શકોને તેમણે ખુશ કરી દીધા હતા. લોકડાયરાનો વીડિયો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ગીતાબેન રબારી ‘રાણો શેરમાં રે’ ગાઈને ગુજરાતના ખૂણે-ખૂણે જાણીતા થયા હતા. તેના ગીતો માત્ર મોટી ઉંમરના લોકો જ નહીં નાના બાળકોને પણ ગમે છે. તેના ‘મા તારા આશીર્વાદ અમને ઘણા ફળ્યા છે’, ‘ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાસડે રમ્યા કરે’ તેમજ ‘શ્રાવણ કેરો માસ આયો’ સહિતના ગીતો સૌથી વધારે પોપ્યુલર છે. તે મૂળ કચ્છના અંજારના વતની છે અને હવે અમદાવાદમાં સ્થાયી થયા છે.