ગુજરાત સરકારે ભગવદ્ ગીતા પર આશરે 50 લાખ પૂરક પુસ્તિકાઓનું સ્કૂલોમાં વિતરણ કરવાની યોજના બનાવી છે. ભગવદ્ ગીતાની આ પૂરક પુસ્તિકા ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને વહેંચવામાં આવશે. આ મહિનાના છેલ્લાં સપ્તાહમાં યોજાનારા ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને આ પુસ્તિકા સોંપવામાં આવશે. ધોરણ 6થી 9 માટેની સંદર્ભ સામગ્રીમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને વિદેશી લેખકો દ્વારા લખવામાં આવેલી ભગવદ્ ગીતાનો સમાવેશ હશે. ઉચ્ચતર માધ્યમિક વર્ગના વિદ્યાર્થીઓ ગીતાના ઉપદેશોનો વિગતવાર અભ્યાસ કરશે.
હિન્દુ ગ્રંથ ગીતાના 18 અધ્યાયમાં રજૂ કરવામાં આવેલા વિચારો ઉચ્ચતર માધ્યમિક વર્ગમાં ભણાવવામાં આવશે. સરકારી સ્કૂલોના શિક્ષકો આ વિષય પર ઓરિએન્ટેશન સેશનમાંથી પસાર થશે. આ વર્ષની શરુઆતમાં માર્ચ મહિનામાં ગુજરાત સરકારે વિધાનસભા સત્રમાં જાહેરાત કરી હતી કે, જૂન 2022થી શરુ થતા શૈક્ષણિક વર્ગમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાના પાઠ શીખવાડવામાં આવશે. તે સમયે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, તમામ ધર્મના લોકોએ પ્રાચીન હિન્દુ ગ્રંથમાં દર્શાવેલા નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકાર્યા છે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સર્વાંગી શિક્ષણ’ પાઠ્યપુસ્તકમાં આ શાસ્ત્ર રજૂ કરવામાં આવશે. તેને ધોરણ 9 થી 12 માટે પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં વાર્તા તરીકે રજૂ કરવામાં આવશે.