ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા તેના રેકોર્ડ આર્થિક ક્રેશથી સુધરી રહી છે અને તેમને કેટલાક “આશાસ્પદ સંકેતો” જોવા મળ્યા છે. જો કે તેમ છતાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે અર્થતંત્રમાં બીજા ક્વાર્ટરમાં 20 ટકાનો ઘટાડો થયો છે.
સુનકે જણાવ્યું હતું કે ‘’જૂન મહિનામાં કુલ સ્થાનિક ઉત્પાદનમાં 8.7%ની વૃદ્ધિ પ્રોત્સાહક છે. બ્રિટનમાં ઝડપથી અને વી-આકારની આર્થિક રીકવરી થશે કે કેમ તે અંગે ઘણી અનિશ્ચિતતા છે. હજી ઘણું કરવાનું બાકી છે અને જેમ જેમ આપણે રીકવરી કરીશું તેમ ઘણા લોકો તેમની નોકરી ગુમાવશે કે પહેલેથી જ તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણે તે લોકો માટે નવી તકો પ્રદાન કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીએ.’’
સુનકે સરકારની વિશાળ જોબ રીટેન્શન યોજનાને વધારવાના વિરોધનો પુનરોચ્ચાર કર્યો હતો જે ઑક્ટોબરના અંતમાં સમાપ્ત થવાની છે. અર્થશાસ્ત્રીઓ તે પછી બેકારીમાં તીવ્ર વધારો થવાની અપેક્ષા રાખે છે. સરકાર માર્ગદર્શન બદલ્યા બાદ આવતા અઠવાડિયામાં વધુ લોકો તેમના કાર્યસ્થળે પાછા ફરશે તેવી અપેક્ષા રાખે છે.