ભારતના જીડીપીમાં ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 20.1 ટકાની વિક્રમજનક વૃદ્ધિ નોંધાઈ હતી, એમ મંગળવારે જારી કરવામાં આવેલા ડેટામાં જણાવાયું હતું. ભારતના પ્રથમ ક્વાર્ટરના આ ઊંચા ગ્રોફ માટે ગયા વર્ષ।ના જૂન ક્વાર્ટરની લો બેઝ ઇફેક્ટ છે. ગયા વર્ષે કોરોના લોકડાઉનને કારણે અર્થતંત્રમાં 24.4 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો.
જૂન 2021 ક્વાર્ટરમાં નોંધાયેલો આ સૌથી ઉંચો વિકાસદર છે. ઉલ્લેખનિય છે કે, ગત માર્ચ ક્વાર્ટરમાં દેશનો વિકાસદર 1.6 ટકા અને 2020ના જૂન ક્વાર્ટરમાં 24.4 ટકા નેગેટિવ રહ્યો હતો. અર્થતંત્રની વૃદ્ધિનો આધારસ્તંભ ગણાતા ખાનગી વપરાશ ખર્ચ, મૂડીરોકાણમાં વાર્ષિક તુલનાએ તંદુરસ્ત વધારો થયો હતો, પરંતુ સરકારી ખર્ચમાં ઘટાડો થયો હતો.
રિઝર્વ બેન્કે જૂન ક્વાર્ટરમાં 21.4 ટકાના જીડીપી ગ્રોથનો અંદાજ મૂક્યો હતો. અર્થશાસ્ત્રીઓએ આપેલા 20 ટકાના વિકાસદરના અંદાજની એકદમ નજીક સત્તાવાર સરકારી જીડીપી ગ્રોથ જાહેર થયો છે. ગ્રોસ વેલ્યૂ એડેટે એટલે કે જીવીએમાં જૂન ક્વાર્ટરમાં 18.8 ટકાનો વધારો થયો છે જે ગત વર્ષે સમાન ક્વાર્ટરમાં 3.7 ટકા વધ્યો હતો. વિવિધ ક્ષેત્રોનો વૃદ્ધિ દર મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વૃદ્ધિ દર જે ગયા વર્ષના જૂન ક્વાર્ટરમાં 36 ટકા ઘટ્યા બાદ આ વખતે 49.6 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી. હોટેલ, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન્સ અને સર્વિસથી લઇ બ્રોકકાસ્ટ ક્ષેત્રનો વૃદ્ધિદર 34.3 ટકા રહ્યો હતો, માં ગયા વર્ષે 48.1 ટકાનું સંકોચન આવ્યુ હતું.
કૃષિ ક્ષેત્રે જૂન ક્વાર્ટરમાં 4.5 ટકાની વૃદ્ધિ થઇ હતી. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં એક માત્ર કૃષિ ક્ષેત્રે જ 3.5 ટકાની સકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. બાંધકામ -કન્સ્ટ્રક્શન્સ સેક્ટરમાં વાર્ષિક તુલનાએ 68.3 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી.