જે વિદ્યાર્થીઓ તેમની સાથે ભણતા વિદ્યાર્થીઓ કરતા જીસીએસઈના નવ વિષયોમાં માત્ર એક ઉંચો ગ્રેડ મેળવે છે તેઓ તેમના સાથીદાર કરતા જીવનભર સરેરાશ £200,000 કરતા વધુની કમાણી કરી શકે છે. જો તે વિદ્યાર્થી બધા વિષયોમાં સારૂ પ્રદર્શન કરે તો તેનો વિકાસ કેટલી હદે થઇ શકે તે આ અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે.
પ્રથમ વખત, ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના આંકડાશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓએ ઇંગ્લેન્ડના બે મિલિયનથી વધુ લોકોની કમાણીને ટ્રેક કર્યા પછી GCSEના ગ્રેડની પ્રાપ્તિ અને આજીવન થનારી કમાણીમાં વધારા વચ્ચેની સીધી કડી સ્થાપિત કરી છે.
સ્કૂલ સ્ટાન્ડર્ડ મિનિસ્ટર નિક ગિબે કહ્યું હતું કે ‘’આપણી જિંદગીની તકોને વધુ સારી બનાવવા માટે આપણને નાનપણથી જ શીખવવામાં આવતું હતું કે શાળામાં સારો અભ્યાસ કરો. અને આજે આપણે તેને ટેકો આપતા મજબૂત પૂરાવા જોયા છે. GCCSE યુવાનોને સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ કરે છે અને આ ડેટા બતાવે છે કે ગ્રેડમાં નાનો સુધારો પણ લોકોના જીવન પર કેવી અસર કરે છે.
આ રિસર્ચમાં ઇંગ્લેન્ડના 2002 અને 2005ની વચ્ચે GCSE ની પરીક્ષાઓ આપનાર લોકોની કમાણીના રેકોર્ડની સરખામણી કરાઇ હતી. તેમાં જાણવા મળ્યું હતું કે જેમણે એક વિષયમાં તેમના સમકક્ષો કરતા માત્ર એક ગ્રેડ વધારે મેળવ્યો હતો, તેમની આજીવન કમાણી સરેરાશ £23,000 વધારે હતી. જ્યારે તમામ નવ વિષયોમાં તેમના સમકક્ષો કરતા એક ગ્રેડ વધારે મેળવનાર લોકોની જીવનકાળની સરેરાશ કમાણી £207,000 વધુ હતી. આ સંશોધન માટે 18 મહિનાનો સમય લાગ્યો હતો અને તે નવી નીતિઓને આગળ વધારવામાં મહત્વપૂર્ણ રહેશે.