ઇઝરાયેલ અને ગાઝામાં થઇ રહેલા હિંસક હુમલા સંબંધે નોર્થ લંડનમાં આવેલા સેન્ટ જ્હોન વુડ ખાતે એન્ટી સેમિટીક ઘટના દરમિયાન ‘તેમની (જ્યુઇશની) દિકરીઓ પર બળાત્કાર કરો’ના અને કેટલાક લોકોએ મેગાફોન પર અપમાનજનક, એન્ટી સેમિટિક ચીસો પાડી હોવાના આરોપ બદલ ચાર પુરૂષોની ધરપકડ કરાયા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
સોશ્યલ મિડીયા પર વ્યાપકપણે વાઇરલ થયેલા વિડીયોમાં એક કારમાંથી ચીસો પાડી નારા લગાવાયા હોવાનું બહાર આવ્યું હતું. વડા પ્રધાન બોરિસ જોન્સને આ ઘટનાને “શરમજનક જાતિવાદ”ના કૃત્ય અને લેબર નેતા કેર સ્ટાર્મરે વિડિઓ “એકદમ ઘૃણાસ્પદ” છે તેમ જણાવ્યું હતું. લોકોએ પણ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા સેન્ટ જ્હોન્સ વુડમાં કરાયેલા સુત્રોચ્ચારોને ‘સંપૂર્ણપણે ઘૃણાસ્પદ’ ગણાવી તે ફૂટેજને વખોડી કાઢ્યા હતા. અન્ય રાજકારણીઓએ આ અગાઉ ફૂટેજની નિંદા કરી હતી. આ કારો પર પેલેસ્ટિનિયન ધ્વજ લગાવાયા હતા અને તેમાંથી યહૂદીઓ વિરુદ્ધ એન્ટિ સેમિટીક સ્લર્સ અને ધમકીઓ આપવામાં આવી હતી.
રવિવાર, 16 મેના રોજ બપોરે નોર્થ લંડનમાં સેન્ટ જ્હોન વુડ વિસ્તારમાં પસાર થતા વાહનોના કાફલા પૈકીની એક કારમાંથી લોકોએ એન્ટી સેમેટીક નારા લગાવ્યા હોવાના સમાચાર પોલીસને મળ્યા હતા. પોલીસે પૂછપરછ હાથ ધરી હેલિકોપ્ટર તહેનાત કરી કારને લગભગ સાંજે 6.30 કલાકે હિલિંગ્ડનમાં એ-40 રોડ પરથી શોધી કાઢી હતી.
પોલીસે રેસીયલી એગ્રીવેટેડ પબ્લિક ઓર્ડર ઓફેન્સની શંકાના આધારે ચાર માણસોની ધરપકડ કરી તેમને વેસ્ટ લંડન પોલીસ સ્ટેશને રખાયા હતા. આ જ લોકોની માન્ચેસ્ટરના સેલ્ફોર્ડના બ્રોટન પાર્ક વિસ્તારમાં તા. 16 મે, રવિવારના રોજ, લગભગ 01.35 વાગ્યે બનેલી સમાન ઘટના સંદર્ભે પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને બંને બનાવ સંદર્ભે વધુ પૂછપરછ માટે જામીન પર છૂટા કરાયા હતા.
પોલિસીંગ ઑપરેશનના ઇનચાર્જ સુપ્રિટેન્ડન્ટ જો એડવર્ડ્સે જણાવ્યું હતું કે “આ વર્તન સંપૂર્ણ આઘાતજનક હતું અને તેને કદી સહન કરવામાં આવશે નહીં. આને કારણે સમુદાયમાં નોંધપાત્ર ચિંતા ઉભી થાય છે અને અમે સેન્ટ જ્હોન વૂડ્સ અને ગોલ્ડર્સ ગ્રીનમાં વધારાનુ પેટ્રોલિંગ ગોઠવ્યું છે.
લંડનના મેયર સાદિક ખાન, હાઉસિંગ અને કોમ્યુનીટી સેક્રેટરી રોબર્ટ જેન્રીક, લિબ ડેમના સાંસદ લૈલા મોરન, શેડો ફોરેન સેક્રેટરી લિસા નાન્દીએ આ કૃત્યની નિંદા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે, હજારો લોકોએ ગાઝામાં પેલેસ્ટાઈનો સાથે થયેલી હિંસાનો વિરોધ કરી એકતા દર્શાવવા સેન્ટ્રલ લંડન તરફ કૂચ કરી હતી. બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રિસ્ટોલ, કાર્ડિફ, એડિનબરા અને યુકેના અન્ય નગરો અને શહેરોમાં પણ દેખાવો થયા હતા.
ગઝામાં ઇઝરાઇલ અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી લડાઇ વચ્ચે હજારો લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં સેન્ટ્રલ લંડન તરફ કૂચ કરી યુકે સરકારને “પેલેસ્ટિનિયન લોકો સામેની ઇઝરાઇલની નિર્દયી હિંસા અને દમન”ને મંજૂરી આપવાનું બંધ કરવા જણાવ્યું હતું.
પેલેસ્ટાઇન સોલીડારીટી કેમ્પેઇન, ફ્રેન્ડ્સ ઑફ અલ-અક્સા, પેલેસ્ટિનિયન ફોરમ ઇન બ્રિટન, સ્ટોપ ધ વોર કોએલીએશન અને મુસ્લિમ એસોસિએશન ઓફ બ્રિટન દ્વારા લંડનમાં આ દેખાવો યોજવામાં આવ્યા હતા.