ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિલ્હીમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેઈલ બાદ દિલ્હી પોલીસે ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.
દિલ્હી પોલીસને લખેલા પત્રમાં ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, તેમને મંગળવારે રાત્રે 9 વાગીને 32 મિનિટે એક ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. લેટરમાં ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગૌતમ ગંભીરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ ધમકી તેમના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવ્યો છે.
ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેઈલ આઈએસઆઈએસ કાશ્મીર તરફથી મળ્યો છે. તેમણે જણાવ્યું કે આ બાબતની વધારે તપાસ થઈ રહી છે. ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને આ બાબતે જાણકારી આપી છે. ગૌતમ ગંભીરે ફરિયાદ કરી છે કે આઈએસઆઈએસ કાશ્મીર તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.