વર્ષ 2023ના પ્રારંભમાં હિન્ડનબર્ગ રીસર્ચના રીપોર્ટના પછી સંપત્તિમાં થયેલા ભારે ધોવાણને સરભર કરવામાં ગૌતમ અદાણીને આશરે એક વાર લાગ્યું છે. ગુરુવાર, 8 ફેબ્રુઆરીએ અદાણીની નેટવર્થ $2.7 બિલિયન વધીને $100.7 બિલિયન થઈ હતી. હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો કર્યા ત્યાર બાદ એક મહિનામાં અદાણીની સંપત્તિમાં 80 અબજ ડોલર કરતા પણ મોટો ઘટાડો થયો હતો. એક તબક્કે તેમની નેટવર્થ 37.7 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ હવે તેઓ ફરી 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થયા છે.
2023ના જાન્યુઆરીમાં હિન્ડનબર્ગ રિસર્ચના આરોપોના કારણે અદાણી ટોપ-10 અબજોપતિની યાદીમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે હવે તેમની સંપત્તિ ફરીથી 100 અબજ ડોલરને વટાવી ગઈ છે. બુધવારે સળંગ આઠમા દિવસે અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં તેજી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઈઝિસ અદાણી જૂથનો મુખ્ય શેર છે. ગયા અઠવાડિયે કંપનીએ તેના નફામાં 130 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
અંબાણીની સંપત્તિ આ મહિને રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી, પરંતુ અદાણીની સંપત્તિ હજુ પણ 2022ના હાઈ લેવલની સરખામણીમાં 50 અબજ ડોલર ઓછી છે.
અદાણી મુશ્કેલીમાં હતા ત્યારે GQG પાર્ટનર્સના રાજીવ જૈને લગભગ ચાર અબજ ડોલર રોક્યા હતા. ત્યાર પછી કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ 50 કરોડ ડોલર રોક્યા હતા જ્યારે ટોટલ એનર્જીએ 30 કરોડ ડોલરનું જોઈન્ટ વેન્ચર કર્યું હતું. હાલમાં અદાણી ગ્રીન કંપની ડોલર બોન્ડ દ્વારા 50 કરોડ ડોલર એકત્ર કરવાની યોજના ધરાવે છે.