અમેરિકા સ્થિતિ સ્ટોક રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ સામેના કથિત આક્ષેપો પછી ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોના ભાવમાં ભારે ધોવાણ થયું હતું. તેનાથી ગૌતમ અદાણી ફોર્બ્સ બિલિયનની યાદીમાં એક જ દિવસમાં ત્રીજાથી સાતમા સ્થાને સરક્યા હતા અને 96.6 બિલિયન ડોલરની નેટવર્થનું ધોવાણ થયું હતું. શેરોના ભાવમાં ભારે વેચવાલીને કારણે અદાણી ગ્રીન, અદાણી ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મર, અદાણી પાવર, એનડીટીવીના શેરોમાં પાંચથી 20 ટકા સુધીનો તીવ્ર ઘટાડો થયો હતો.
અદાણી ગ્રૂપે અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ સામે કોર્ટમાં જવાની તૈયારી કરી હતી. અદાણીએ આ રિપોર્ટને વાંધાજનક ગણાવીને કહ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝિસની ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) ખુલે તે પહેલા આ રિપોર્ટ આવ્યો છે જેથી ગ્રૂપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે અને ફોલો-ઓન ઓફરને અસર થાય. હિન્ડનબર્ગે તેના રિપોર્ટમાં આક્ષેપ મુક્યો હતો કે અદાણી ગ્રૂપે પોતાના શેરોના ભાવમાં ચેડા કર્યા છે અને અદાણીના સ્ટોક્સમાં 85 ટકા સુધી ઘટાડો આવી શકે છે.
બે દિવસમાં અદાણી ટોટલ ગેસના માર્કેટકેપમાં સૌથી વધુ રૂ.1.04 લાખ કરોડનું ધોવાણ થયું હતું. આ ઉપરાંત અદાણી ટ્રાન્સમિશનના માર્કેટકેપમાં રૂ.83,2266 કરોડ, અદાણી એન્ટરપ્રાઇસના રૂ.77,588 કરોડ, અદાણી ગ્રીનના માર્કેટકેપમાં રૂ.,67,963 કરોડ, અદાણી પોર્ટના માર્કેટકેપમાં રૂ.35,048 કરોડનો ઘટાડો થયો હતો.
