ગુજરાતના જાણીતા વૈશ્વિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનવાનો યાદીમાં બીજા ક્રમ મેળવ્યો છે. વિશ્વના પ્રથમ 10 ધનવાનોની યાદીમાં એલન મસ્ક પ્રથમ ક્રમે છે. ફોર્બ્સના રીયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી બર્નાર્ડ અર્નોલ્ટથી આગળ નીકળીને યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફોર્બ્સની ધનવાનો યાદીમાં પ્રથમવાર બીજો ક્રમ મેળવીને અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ ઈતિહાસ સર્જ્યો છે. જ્યારે, બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ગૌતમ અદાણી ત્રીજા ક્રમે છે.
ફોર્બ્સ રીયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ પ્રમાણે શુક્રવાર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં કુલ 5.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. હવે તેઓ 155.7 બિલિયન ડોલર સાથે વિશ્વના બીજા ક્રમના બિલિયોનેર તરીકે સ્થાન પામ્યા છે. અદાણી પછી ત્રીજો ક્રમ ધરાવતા બર્નાર્ડ અર્નોલ્ટની નેટવર્થ 155.2 બિલિયન ડોલર છે. જ્યારે રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 92.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આઠમા સ્થાને છે.