(ANI Photo)
ભારતના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય તમ અદાણીને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ રૂ.9.26 કરોડનું મહેનતાણું મળ્યું હતું, જે ભારતના મોટા ભાગના ઉદ્યોગપતિઓ તેમજ તેમના પોતાના એક્ઝિક્યુટિવ કરતાં ઓછું હતું. 61 વર્ષીય અદાણી તેમના પોર્ટથી લઇને એનર્જી સુધીનો બિઝનેસ ધરાવતી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓ માત્ર બે કંપનીઓમાંથી જ પગાર લીધો હતો, એમ વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું.
ગૌતમ અદાણીએ અદાણી એન્ટરપ્રાઈઝિસ પાસેથી રૂ.2.19 કરોડનો પગાર અને રૂ.27 લાખ લાભો, તથા ભથ્થા મેળવ્યા હતાં, જ્યારે અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડમાંથી તેમને રૂ.6.80 કરોડ મળ્યા હતા. તેમાં 1.80 કરોડ રૂપિયાનો પગાર અને પાંચ કરોડ રૂપિયાનું કમિશન મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઈઝ પાસેથી ગૌતમ અદાણીએ કોઈ કમિશન મેળવ્યું ન હતું.
આ દરમિયાન એઈએલના બોર્ડ પર એક્ઝિક્યુટિવ અને ડાયરેક્ટરનો હોદ્દો સંભાળતા વિનય પ્રકાશે રૂ.89.37 કરોડનું કુલ વળતર મેળવ્યું હતું. ગ્રૂપના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જુગેશિન્દર સિંહે રૂ. 9.45 કરોડ પગાર અને બીજા લાભો તરીકે મેળવ્યા હતા. અદાણી ગ્રીન લિમિટેડના સીઈઓ વીનિત એસ જૈને 15.25 કરોડ રૂપિયા એક વર્ષમાં મેળવ્યા હતા જ્યારે અદાણી ટોટલ ગેસના સીઈઓ સુરેશ મંગલાણીને 6.88 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. અદાણી વિલ્મરના સીઈઓ આંગ્શુ મલિકને 5.15 કરોડ રૂપિયા ચૂકવાયા હતા.
સુનિલ ભારતી મિત્તલે ગયા વર્ષમાં રૂ.16.7 કરોડનો પગાર મેળવ્યો હતો જ્યારે રાજીવ બજાજને ચૂકવાયેલી રકમ રૂ.53.7 કરોડ હતી. હીરો ગ્રૂપના પવન મુંજાલનો પગાર રૂ.80 કરોડ હતો. લાર્સન એન્ડ ટુબ્રોના સુબ્રમણિયન, ઈન્ફોસિસના સીઈઓ સલીલ પારેખે પણ તગડો પગાર લીધો હતો. રિલાયન્સ જૂથના મુકેશ અંબાણીએ કોવિડ આવ્યો ત્યારથી તેમને તમામ પગાર જતો કર્યો છે. જોકે, અગાઉ તેઓ રૂ.15 કરોડ રૂપિયાનું વાર્ષિક વળતર મેળવતા હતા.

LEAVE A REPLY