અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી હવે 137.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. તેઓ આ યાદીમાં આટલે ઉંચે સુધી પહોંચનાર પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન બન્યા છે. 60 વર્ષના ગૌતમ અદાણી કેટલાક વર્ષોથી પોતાનો બિઝનેસ આક્રમક રીતે વિસ્તારતા જાય છે, એમ મંગળવારે બ્લૂમબર્ગના બિલિયનર્સ ઈન્ડેક્સમાં જણાવાયું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને ચીનના જેક મા પણ ક્યારેય વિશ્વના ટોચના ધનિકોમાં ત્રીજુ સ્થાન મેળવી શક્યા નથી. ત્યારે અદાણીએ આ સ્થાન મેળવ્યું છે અને નંબર વન બનવાથી માત્ર બે કદમ દૂર છે.
ગૌતમ અદાણી અત્યારે 137.4 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. તેમણે સંપત્તિની બાબતમાં ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ રાખી દીધા છે. હવે માત્ર ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ જ ગૌતમ અદાણી કરતા વધારે ધનિક છે.
ગુજરાતના આ બિઝનેસમેનનું સામ્રાજ્ય કોલસાથી લઈને પોર્ટ સુધી અને ડેટા સેન્ટરથી લઈને સિમેન્ટ, મીડિયા અને એલ્યુમિનિયમ સેક્ટર સુધી ફેલાયેલું છે. ત્રણ-ચાર વર્ષ અગાઉ ભારતની બહાર બહુ ઓછા લોકોએ અદાણી વિશે સાંભળ્યું હતું. પરંતુ હવે આ ઉદ્યોગપતિને આખી દુનિયા ઓળખે છે. કોલેજનું શિક્ષણ પણ અધવચ્ચેથી છોડી દેનારા ગૌતમ અદાણીએ ડાયમંડ ટ્રેડર તરીકે બિઝનેસમાં નસીબ અજમાવ્યું હતું. શરૂઆતમાં તેમને સફળતા ન મળી, પરંતુ હવે તેઓ સફળતાના પર્યાય બની ચુક્યા છે.
ભારતમાં અત્યારે મોટા ભાગના બિઝનેસમાં ગૌતમ અદાણી હાજર છે. પછી તે પોર્ટ હોય, એરપોર્ટ હોય, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક હોય કે પછી કોલસો, સિમેન્ટ, મીડિયા, મેટલ, રિટેલ, રિયલ્ટી સેક્ટર હોય. અદાણી જૂથ હવે ટેલિકોમમાં પણ પ્રવેશી રહ્યું છે. આ ઉપરાંત તે ગ્રીન એનર્જી પર સૌથી વધારે ફોકસ કરે છે અને સ્વચ્છ ઉર્જાના ઉત્પાદનમાં તે 70 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.