ગુજરાત સ્થિત અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 123.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પાંચમાં ક્રમના સૌથી ધનિક બન્યાં છે. સોમવાર (25 એપ્રિલ)એ તેમણે અમેરિકાના પ્રખ્યાત ઇન્વેસ્ટર વોરેન બફેટને પાછળ રાખીને આ સિદ્ધી હાંસલ કરી હતી, એમ ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સના તાજેતરના રેન્કિંગમાં જણાવાયું છે.
ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ બર્કશાયર હેથવેના ચેરમેન બફેટની નેટવર્થ હાલમાં 121.7 બિલિયન ડોલર છે. વિશ્વમાં હાલ સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી કરતાં ચાર ધનિકો આગળ છે, જેમાં 130.2 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, 166.8 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા બર્નાર્ડ આર્નોલ્ટ, 170.2 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા જેફ બેઝોસ અને 269.7 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા ઇલોન મસ્કનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રૂપના ચેરમેનને ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાના સ્થાનને પણ વધુ મજબૂત બનાવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 104.2 બિલિયન ડોલરની સંપત્તિ સાથે નવમા ક્રમની જગ્યાએ આઠમાં ક્રમે આવ્યા છે.
બીજી તરફ બ્લૂમબર્ગ બિલોયોનેર યાદી મુજબ અદાણી 119 બિલિયન ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે અને અંબાણી 102 બિલિયન ડોલરની સંપત્તિ સાથે નવમાં ક્રમે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ 59 વર્ષીય અદાણીએ 2022માં તેમની સંપત્તિમાં 43 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે, જે તેમના પોર્ટફોલિયોમાં 56.2 ટકાનો અસાધારણ ઉછાળો દર્શાવે છે.
વિશ્વના ટોપ-10 અમીરોમાં બે ગુજરાતીઓ
વિશ્વના ટોચના 10 અમીરોની યાદીમાં ભારતના બે ઉદ્યોગપતિ છે, એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે. જોગાનુજોગ આ બંને ઉદ્યોગપતિ ગુજરાતી છે. તાજેતરના સમયમાં આ બંને વચ્ચે દેશની સૌથી ધનિક બનવાની સ્પર્ધા ચાલી રહી છે. કોરોના મહામારી દરમિયાન બંનેની નેટવર્થમાં સતત વધારો થયો છે. 2021 સુધી ભારતમાં મુકેશ અંબાણી પહેલા સ્થાને હતા, જ્યારે 2022માં ગૌતમ અદાણી દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.