સંપત્તિમાં જબરદસ્ત ઘટાડા બાદ ગૌતમ અદાણી વિશ્વના ટોચના 20 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ યાદીમાં અગાઉ તેઓ 19માં ક્રમે હતા. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર તેઓ હવે 59.7 બિલિયન ડોલરની સંપત્તિની સાથે 21મા ક્રમે પહોંચી ગયા છે. 14 જૂન પછી તેમની કંપનીઓના શેરના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાના કારણે તેમની નેટવર્થમાં 17 દિવસમાં 17 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
ગૌતમ અદાણી ગયા મહિને સફળતાની ટોચ પર હતા. તેમની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી દેખાઈ રહી હતી. જેના પગલે 14 જૂને તેમની નેટવર્થ 77 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી અને એક તબક્કે તેઓ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી દે તેવી સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે તેઓ એશિયાના ધનિક લોકોના ક્રમમાં બીજા ક્રમે આવી ગયા હતા. અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી ફંડોના એકાઉન્ટ બ્લોક કરવાની ખબર સામે આવતાં જ અદાણીને જાણે ગ્રહણ લાગી ગયું છે અને આ ગ્રહણ દૂર થવાનું નામ લઈ રહ્યું નથી.