ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આ વર્ષે વિશ્વના કોઇપણ વ્યક્તિ કરતાં તેમની સંપત્તિમાં વધુ વધારો કર્યો હતો. જાહેરમાં ભાગ્યે જ વાત કરતાં અદાણીની નેટવર્થ 2021માં 16.2 બિલિયન ડોલર વધીને 50 બિલિયન ડોલર થઈ છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં જણાવાયું છે.
તેનાથી તેઓ જેફ બેઝો અને એલન મસ્ક જેવા ધનિકોને પાછળ રાખીને વિશ્વના સૌથી મોટા સંપત્તિ સર્જન બન્યાં છે અદાણી ગ્રૂપ માટે રોકાણકારોના ભારે આકર્ષણને કારણે તેમણે આ સિદ્ધિ મેળવી છે. ચાલુ વર્ષે અદાણી ગ્રૂપની એક સિવાયની તમામ કંપનીઓના શેરમાં ઓછામાં ઓછો 50 ટકા ઉછાળો આવ્યો છે.
આની સામે એશિયાના સૌથી વધુ ધનિક મુકેશ અંબાણીની સંપત્તિમાં 8.1 બિલિયન ડોલરનો વધારો થયો હતો. અદાણી ગ્રૂપમાં ફ્રાન્સની ટોટલ એસએથી વોરબગ પિનકસ જેવા વૈશ્વિક રોકાણકારોએ રોકાણ કર્યું છે. અદાણી ગ્રૂપના પોર્ટ, એરપોર્ટ, ડેટા સેન્ટર્સ અને કોલ માઇન્સ બિઝનેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.