ગુગુજરાત સ્થિત અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી એશિયાના બીજા નંબરના સૌથી ધનિક બિઝનેસમેન બન્યાં છે. 75. 5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે રિલાયન્સ ગ્રૂપના વડા મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે. ગૌતમ અદાણીએ ગુરુવારે ચીનની બેવરેજથી ફાર્મા ક્ષેત્રમાં કામ કરતી કંપનીના માલિક ઝોંગ શનશાનને પાછળ રાખ્યા હતા. 20મે 2021ના રોજ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 66.5 બિલિયન ડોલર હતી, જ્યારે શનશાનની સંપત્તિ 63.6 બિલિયન ડોલર હતી, એમ બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું હતું.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી 13મા ક્રમે અને ગૌતમ અદાણી 14માં ક્રમ છે. આ વર્ષે ગૌતમ અદાણીની સંપત્તિમાં 33 બિલિયન ડોલરનો વધારો થયો છે, એટલે કે 100 ટકાનો વધારો થયો છે. એશિયામાં સૌથી વધુ ધનિક રિલાયન્સ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 76.5 બિલિયન ડોલર છે. હાલમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિ વચ્ચેનો તફાવત માત્ર 10 બિલિયન ડોલર છે.
આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં 175.5 મિલિયન ડોલરનો ઘટાડો થયો થયો હતો, જ્યારે અદાણીની સંપત્તિમાં 32.7 બિલિયન ડોલરનો વધારો થયો હતો. અદાણીની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
અદાણીની લિસ્ટેડ 6 કંપનીના બજારમૂલ્યમાં એક વર્ષમાં 41.2 ગણો વધારો થયો છે. મે 2020 પછીથી અદાણીની સંપત્તિમાં અસાધારણ વધારો થયો છે. આ સમયગાળામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના માર્કેટકેપ 55 ટકા વધારો થયો હતો. ગયા વર્ષે અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટકેપ 20 બિલિયન ડોલર હતું, જે હવે 115 બિલિયન ડોલર છે, એટલે કે એમાં 6 ગણો વધારો થયો છે. આ સમયગાળામાં રિલાયન્સ ગ્રુપનું માર્કેટકેપ 125 બિલિયન ડોલરથી વધીને 178 બિલિયન ડોલર થયું છે.