ભારતીય સેનાના નવા પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેને આજે ‘ગાર્ડ ઓફ ઓનર’થી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ સમ્માન મેળવ્યા બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેમની સૌથી પહેલી પ્રાથમિકતા સેનાને હંમેશા કોઈ પણ ઓપરેશન માટે તૈયાર રાખવાની છે.
આ સાથે જ અમારે માનવ અધિકારોનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે. આ અગાઉ તેમણે કહ્યું કે હું વાહેગુરુજીને પ્રાર્થના કરું છું કે મને હિંમત અને તાકાત આપે કે હું સેના પ્રમુખ તરીકે પોતાનું કર્તવ્ય નિષ્ઠા સાથે નિભાવી શકું. ત્રણેય સેનાઓ દેશની રક્ષા કરવા માટે તત્પર છે. જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કહ્યું કે આજથી નવા દશકાની શરૂઆત થઈ રહી છે અને મને આશા છે કે આ ભારતના વિકાસનો દશકો હશે.
દેશના વિકાસ માટે સીમાઓની સુરક્ષા કરવી ખૂબ જ જરૂરી છે. દેશવાસીઓને હું વિશ્વાસ અપાવવા માગું છું કે અમારી ત્રણેય સેનાઓ દરેક સમયે કોઈ પણ પડકાર ઝીલવા માટે તૈયાર છે. હું દેશની જનતાને સુરક્ષિત રાખવાનો વિશ્વાસ અપાવું છે. ભૂસેના ચોવીસે કલાક દેશની સેવા કરવા માટે તત્પર છે. જનરલ બિપિન રાવત મંગળવારના રોજ સેના પ્રમુખ પદ પરથી નિવૃત્ત થઈ ગયા છે. તેમની જગ્યો મનોજ મુકુંદ નરવણે સેનાના પ્રમુખ બન્યા છે. તેઓએ મંગળવારે જ સેના પ્રમુખનો કાર્યભાળ સંભાળી લીધો હતો.