કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વેષ્ણવે મંગળવારે ભારત ગૌરવ ટ્રેન સેવા અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ગૌરવ ટ્રેનનું સંચાલન આઇઆરસીટીસી ઉપરાંત ખાનગી કંપનીઓ પર પણ કરી શકશે. રેલવે પ્રધાને જણાવ્યું હતું કે અમે ભારત ગૌરવ ટ્રેન સેવા માટે 180થી વધુ ટ્રેનોની ફાળવણી કરી છે અને 3,0333 કોચ અલગ તારવામાં આવી રહ્યાં છે. ટ્રેનોના સંચાલન માટે અરજીપત્રકો લેવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. દેશમાં પ્રવાસનને વેગ આપવા માટે રેલવેએ આ ટ્રેનોની શરૂઆત કરી છે.
આ હેતુ માટે તાજેતરમાં રામાયણ એક્સપ્રેસ ટ્રેન સેવા ચાલુ કરવામાં આવી હતી, જે ભગવાન રામ સાથે જોડાયેલા તીર્થસ્થાનોનું લોકોને દર્શન કરાવશે. આ મહિનાની શરૂઆતમાં રેલવે પ્રધાને આ અંગે જણાવ્યું હતું કે ભારત ગૌરવ ટ્રેન સેવાનો હેતુ લોકોને ભારતની સંસ્કૃતિ, પરંપરા અને વિવિધતાનો પરિચય આપવાનો છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત ગૌરવ ટ્રેન સેવાથી રેલવેની આવકમાં પણ વધારો થશે. હાલમાં થીમ આધારિત ટ્રેનોના સંચાલન માટે અમે 150 રેલવે અને 3000થી વધુ કોચની ઓળખ કરી છે. યાત્રી અને માલવાહક ટ્રેનો બાદ રેલવે હવે ટુરિઝમ ક્ષેત્રમાં પણ પ્રવેશ કરશે. ભારત ગૌરવ ટ્રેન મારફત લોકો ભારતની પરંપરા, ઇતિહાસ અને સંસ્કૃતિ અંગે માહિતી મેળવી શકશે. તે માટે આજથી આવેદનપત્રની શરૂઆત કરવામાં આવી છે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી નવી દરખાસ્ત હેઠળ જો કોઇ ઓપરેટર કોઇ સ્ટેશન પર ટ્રેન પાર્ક કરવા ઇચ્છે તો તેમને આવી સુવિધા મળશે. આ ઉપરાંત ભોજનની સુવિધા તેઓ પોતાની રીતે નક્કી કરશે.
રેલવે પ્રધાને જણાવ્યું હતું કે આ ટ્રેનના સંચાલન માટે ઘણા લોકોએ રસ દર્શાવ્યો છે. મેક માય ટ્રિપ, રાજસ્થાન પ્રવાસન વિભાગ અથવા ઓડિશા ટુરિઝમ સહિત કોઇપણ વિભાગ કે કંપની પોતાની રીતે ટ્રેનો લઈ શકશે અને સંચાલન કરી શકશે. આ ઓપરેટર્સને પોતાની યોજના મુજબ ટ્રેનોનું સંચાલન કરવાની મંજૂરી મળશે. કંપનીઓ ટ્રેન ચલાવશે અને રેલવે મંત્રાલય તેના મેન્ટેનન્સ, વોટર સપ્લાય અને કાચા માલની વ્યવસ્થા કરશે.
આ ટ્રેનોના ભાડા અંગે તેમણે જણાવ્યું હતું કે ટુર ઓપરેટર્સ તે નક્કી કરશે. પરંતુ અતિશય ઊંચું ભાડું વસૂલ કરી શકાશે નહીં. જો આવું થશે તો રેલવે મંત્રાલય તેમાં હસ્તક્ષેપ કરશે. આ ટ્રેનોમાં તેજસ, વંદે ભારત સહિત કોઇપણ કેટેગરીની કોચનો ઉપયોગ કરી શકાશે. ઓપરેટર્સની માગને આધારે કોચ પૂરા પડાશે. ટ્રેનના કોચ અને સુવિધાને આધારે ભાડું પણ અલગ હશે.