વર્ષની શરૂઆતથી ગેસના જથ્થાબંધ ભાવમાં 250 ટકાનો વધારો થતાં અને ઓગસ્ટથી તેમાં 70 ટકાનો વધારો થતા સર્જાયેલી કટોકટીને કારણે યુકેની સાત ગેસ ફર્મ્સે નાદારી નોંધાવતા યુકેના લગભગ 6 મિલિયન ઘરોના ગેસ પુરવઠા પર ભય સર્જાયો છે. ગેસના ભાવમાં વધારો થાય તેવા સંજોગોમાં કોઇ અગમચેતી રાખી રીઝર્વ ફંડ રાખ્યું ન હોવાથી આ સાત કંપનીઓ પડી ભાંગી છે. યુકેમાં દર ચાર પરિવારે એક પરિવાર આવી કંપનીના ગેસનો ઉપયોગ કરે છે. યુકેમાં હજી પરિસ્થિતી વણસે તેવી શક્યતાઓ છે અને તેની સામે નાની એનર્જી કંપનીઓ ગેસ સંકટથી ઘેરાઇને વેપાર ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહી છે.

આખું યુરોપ ટૂંક સમયમાં શિયાળાના મહિનાઓમાં પ્રવેશ કરનાર છે ત્યારે સ્વાભાવિક છે કે ગેસની માંગમાં મોટો વધારો થશે. યુકેની ગ્રીન અને એવ્રો ગેસ કંપનીઓ કટોકટીને કારણે ભાંગી પડતા તેના 835,000 ગ્રાહકો મૂંઝવણમાં મૂકાયા છે.

ગેસના ભાવો વધવા પાછળ તાજેતરમાં રશિયામાંથી ઓછો થયેલા પુરવઠો અને એશિયામાં વધેલી માંગ જવાબદાર છે જે આંતરરાષ્ટ્રીય બજારો પર દબાણ લાવી રહી છે. યુકેમાં, રોગચાળા દરમિયાન નોર્થ સીમાં રોગચાળા દરમિયાન થોભાવવામાં આવેલા કેટલાક ગેસ પ્લેટફોર્મ્સ મેઇન્ટેનન્સ માટે બંધ કરાયા હતા.

ફ્રાન્સમાંથી વીજળીની આયાત કરતા કેબલ્સને પણ ગયા અઠવાડિયે નુકસાન થયું હતું અને સપ્ટેમ્બર ખૂબ જ પવનવાળો મહિનો રહ્યો ન હોવાથી વિન્ડ-પાવરનું ઉત્પાદન પણ ઓછું થયું હતું. જેથી વીજળી ઉત્પન્ન કરવા માટે વધુ ગેસની જરૂરિયાત ઉભી થઇ છે.

આ કટોકટીને કારણે નાની એનર્જી કંપનીઓ ભયાવહ પરિસ્થિતિમાં છે અને ઘણાએ ઝડપથી વધતા ભાવોની સંભવિત અસર સામે પોતાનું રક્ષણ કર્યું ન હોવાથી તેમને મુશ્કેલીઓ પડી રહી છે. જેમણે પોતાનો વીમો ઉતાર્યો છે તે હવે તેના રોકડા કરી રહી છે.

ગેસના ભાવ વધારાના કારણે હીટીંગ ઓછું રાખનાર ગંભીર રીતે બીમાર લોકોના વહેલા મૃત્યુ થઈ શકે છે એવી કેમન્પેઇનર્સે ચેતવણી આપી છે.

પીએફપી એનર્જી અને મનીપ્લસ એનર્જીએ બિઝનેસ બંધ કર્યાના એક અઠવાડિયા પછી યુટિલિટી પોઇન્ટ અને પીપલ્સ એનર્જી બંધ પડી હતી. યુકેની છઠ્ઠી સૌથી મોટી ઉર્જા કંપની બલ્બ પણ બેલઆઉટની માંગ કરી રહી છે. તેના પોતાના 1.7 મિલિયન ગ્રાહકો છે અને તે નાણાકીય સ્થિતિમાં વધારો કરવા કથિત રૂપે ઇન્વેસ્ટમેન્ટ બેંક લેઝાર્ડ સાથે કામ કરી રહી છે.

રેગ્યુલેટર ઓફજેમે તૂટી પડેલ કંપનોની જવાબદારી લઇ તેમના ગ્રાહકો મોટી કંપનીઓને સોંપ્યા છે અને તેમણે કરેલા કોન્ટ્રેક્ટ સુધી તેમને જે તે દરે જ ગેસ-વીજળીનો પૂરવઠો મળશેને તેમના બાકી ક્રેડિટ બેલેન્સ સુરક્ષિત રહેશે.

ઇગ્લો એનર્જી નામની કંપનીએ તો સંભવિત નાદારી માટે અલ્વારેઝ એન્ડ માર્સલની નિમણૂક કરી દીધી છે.  રેગ્યુલેટર ઓફજેમે ચેતવણી આપી છે કે ચાલુ વર્ષે સાત ફર્મે ટ્રેડિંગ બંધ કરતાં હજારો ગ્રાહકો ગેસપુરવઠા વગરના થઈ જાય તેવી સંભાવના છે. ગેસ કંપનીઓની નાદારીના લીધે આગામી વર્ષ સુધીમાં ગેસ કંપનીઓની સંખ્યા 49થી ઘટીને દસ થઈ જાય તેમ મનાય છે.

બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી સિલેક્ટ કમિટીના સાંસદ જોનાથન બ્રીયર્લીએ કહ્યું હતું કે ‘’મને લાગે છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો પર આની અસર થઈ શકે છે અને આ કટોકટી કામચલાઉ નથી.’’