સાઉથ એશિયન ભાષાઓના શિક્ષણ અને ભાષાઓની વ્યાપક સમજણનો અભાવ યુકે અને સાઉથ એશિયા વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યવસાયિક સંબંધોની સંપૂર્ણ સંભાવનાને અવરોધતો હોવાથી એમપી ગેરેથ થોમસે તે માટે સરકારના સમર્થનની હાકલ કરી સરકારને ગુજરાતી, ઉર્દૂ, બંગાળી, પંજાબી, તમિલ અને હિન્દી સહિત સાઉથ એશિયન ભાષાઓના વિકાસ અને શિક્ષણ માટે સંસાધનો ફાળવવા વિનંતી કરી છે.
હાલમાં, સાઉથ એશિયન ભાષાઓને સાચવવાની અને શીખવવાની જવાબદારી મોટે ભાગે ડાયસ્પોરા સમુદાયના ખભા પર આવે છે, જેઓ ધાર્મિક સ્થળો અને વિકેન્ડમાં શાળાઓ દ્વારા ચલાવાય છે.
ભાષાઓના શિક્ષણ માટે સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરતા ગેરેથ થોમસે ભાષા શિક્ષણની પહેલને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર સરકારી સમર્થનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે મેન્ડરિન અને લેટિન જેવી અન્ય ભાષાઓને અપાતા સંસાધનોની ફાળવણીની સરખામણી કરી હતી જેને લક્ષ્યાંકિત સરકારી સમર્થન પ્રાપ્ત થયું છે. તેમણે સાઉથ એશિયન ભાષાઓ પ્રત્યે સમાન સહાયની તાકીદ પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું કે, કન્ઝર્વેટિવ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં પંજાબી, બંગાળી, હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, સિંહાલી, તમિલ, પશ્તો અને દરી ભાષાના શિક્ષણ માટે કોઈ સીધું ભંડોળ ફાળવવામાં આવ્યું નથી. આ અવગણનાના પરિણામે 2013 અને 2023ની વચ્ચે GCSE સ્તરે સાઉથ એશિયાની ભાષાઓ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળે છે. આંકડા દર્શાવે છે કે આ દરમિયાન ગુજરાતીમાં 42%, બંગાળીમાં 58% અને ઉર્દૂમાં 16%નો ઘટાડો નોંધાયો છે.
આ વલણ પર ચિંતા વ્યક્ત કરતાં, થોમસે ટિપ્પણી કરી, “આપણે આ સમુદાયો અને તેમની નિર્ણાયક ભાષાઓમાં રોકાણ કરવામાં આ ટોરી સરકારની નિષ્ફળતાને કારણે GCSE સ્તરે સાઉથ એશિયન ભાષાઓ શીખતા વિદ્યાર્થીઓની સંખ્યામાં એક દાયકામાં ઘટાડો જોઈ રહ્યા છીએ. અમે ભારત જેવા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ સાથે વેપાર સોદાની વાટાઘાટો કરવા માગીએ છીએ ત્યારે મહત્વનું છે કે સરકાર આ મહત્વપૂર્ણ સાઉથ એશિયન ભાષાઓમાં રોકાણ કરે.”