દુનિયાભરમાં જાણીતા ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક વિરાસત (ઈન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી)નો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ ગયા ડિસેમ્બર મહિનામાં કોલકાતાના દુર્ગા પૂજા ફેસ્ટિવલને સાંસ્કૃતિક વિરાસતનો દરજ્જો આપવામાં આવ્યો છે.આખા એશિયામાં આ પહેલો તહેવાર છે જેને આ પ્રકારનો દરજ્જો મળ્યો છે. હવે ગરબાને પણ આવો દરજ્જો મળે તે માટે સરકારે પ્રયાસ શરુ કર્યા છે.
સત્તાવાર સૂત્રોના કહેવા પ્રમાણે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ માટે એક ડોઝિયર બનાવવામાં આવી રહ્યુ છે, જે ચાલુ મહિનાના અંત સુધીમાં યુનેસ્કોને સોંપવામાં આવશે.સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ કામ કરતી સંગીત નાટક અકાદમીએ ગરબા અંગેનુ ડોઝિયર બનાવવાની કામગીરી એમ.એસ.યુનિવર્સિટીને સોંપી છે.આ ડોઝિયરમાં ગરબાના ગુજરાત સાથે સંકળાયેલા ઈતિહાસ અને તેની પંરપરાનો ઉલ્લેખ કરાશે.