ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. શ્રી સોલંકીને સ્ટ્રોકનો હુમલો આવતા ગયા સપ્તાહે અમદાવાદની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે શાંતિમય રીતે દેહ છોડ્યો હતો.
શ્રી સોલંકી લંડન અને આટલાન્ટાથી પ્રકાશિત થતાં ગરવી ગુજરાત ન્યૂઝવીકલીના સ્થાપક-તંત્રી હતા. આ ઉપરાંત તેઓ એશિયન મીડિયા ગ્રુપના ચેરમેન અને એડિટર ઇન ચીફ પણ હતા. આજે યુકેના સૌથી સફળ એશિયન બિઝનેસ હાઉસીસમાં એશિયન મીડિયા ગ્રુપનો પણ સમાવેશ થાય છે. આ ગ્રુપના અગ્રણી પ્રકાશનોમાં ગરવી ગુજરાત, ઈસ્ટર્ન આઇ, એશિયન ટ્રેડર, એશીયન હોસ્પિટાલીટી અને ફાર્મસી બિઝનેસનો સમાવેશ થાય છે.
પત્રકારત્વ ક્ષેત્રે શ્રી સોલંકીના વિશાળ પ્રદાનની નોંધ લઇને ઇંગ્લેંડનાં રાણીએ પ્રથમ વાર 1997માં OBE તરીકે ત્યાર બાદ 2007માં CBE તરીકે સન્માન કર્યું હતું. પત્રકારત્વ ક્ષેત્રે શ્રી સોલંકીની સુદીર્ઘ અને યશસ્વી કારકીર્દીનો પ્રારંભ છ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં થયો હતો. એ વખતે તેઓ મુંબઇની જન્મભૂમિ અખબારી જૂથના લંડન ખાતેના સંવાદદાતા તરીકે અને ગુજરાતના કેટલાક અખબારોના કટારલેખક તરીકે કામ કરતા હતા. પત્રકાર તરીકેની તેમની કારકીર્દી આમ તેઓ 1964માં લંડન આવ્યા ત્યારથી જ નિર્ધારિત થઇ ગઇ હતી. આગળ જતાં તેમણે શૂન્યમાંથી સર્જન કરીને એશિયન મીડિયા ગ્રુપ નામનું યુકેના સૌથી પ્રતિષ્ઠાવંત એથનિક મીડિયા પ્રકાશનગૃહની સ્થાપના કરી.
એ વખતે યુકે અને આફ્રિકામાં એક સારા ગુજરાતી અખબારની બહુ મોટી ખોટ વર્તાતી હતી. એટલે એ વખતના યુકે ખાતેના ભારતીય હાઇકમિશનર ડો. જીવરાજ મહેતાએ શ્રી સોલંકીને બ્રિટનના વિસ્તરતા જતાં ભારતીય સમુદાયની જરૂરિયાતોને અનુરૂપ એક અખબાર કાઢવા પ્રેરણા આપી હતી. શ્રી સોલંકીએ ગરવી ગુજરાતનો પ્રારંભ ભારતીય સમુદાયમાં એકતા અને સૌહાર્દ જળવાય, ભારતનો સમૃદ્ધ વારસો અને ગુજરાતી ભાષા પરદેશમાં પણ સદીઓ સુધી જીવંત રહે એવા હેતુથી કર્યો હતો.
શ્રી સોલંકીએ ગરવી ગુજરાત શરૂ કર્યું ત્યારે એક અખબાર કાઢવા માટે જરૂરી ટેકનોલોજી અને પૂરતી નાણાંકીય વ્યવસ્થા તેમની પાસે ન હતી. આથી રમણિકલાલ અને તેમનાં પત્ની શ્રીમતી પાર્વતીબહેને નોર્થ લંડનના વેમ્બલી ખાતેના એક મકાનમાં 1 એપ્રિલ, 1968ના રોજ બ્લેક એન્ડ વાઇટ સાયકોસ્ટાઇલ પદ્ધતિએ ગરવી ગુજરાતનો પ્રારંભ કર્યો હતો.
ગરવી ગુજરાત બહુ ઝડપથી યુકેના ભારતીય સમુદાયમાં લોકપ્રિય બન્યું અને તે ભારત બહાર સૌથી વધુ વેચાતું અને સૌથી મોટો ફેલાવો ધરાવતું ગુજરાતી અખબાર બન્યું. 50 વર્ષ કરતાં વધુ સમય સુધી વિચારપ્રેરક લેખો અને સમાચારસંપાદન કરવાની શૈલી તથા નિર્ભિક પત્રકારત્વના કારણે શ્રી રમણિકલાલ સોલંકી યુકેના એશિયન પત્રકારોમાં અગ્રણી હરોળમાં સ્થાન પામ્યા અને તેમને અનેક સન્માનો પણ પ્રાપ્ત થયા. 1970ના દાયકામાં ઇસ્ટ આફ્રિકાના એશિયન ઇમિગ્રન્ટો યુકે આવવા માંડ્યા. તેમની યાતનાઓને શ્રી સોલંકીએ વાચા આપી. યુકેમાં સ્થાયી થવા માટે તેમણે કરેલા સંઘર્ષને તેમણે પ્રભાવશાળી ઢબે અભિવ્યકત કર્યો.
આ માટે તેમણે દેશભરમાં ફરીને રેફ્યુજી કેમ્પોની મુલાકાતો લીધી અને યુગાન્ડાના રાજકારણમાં થયેલી ઉથલપાથલના કારણે એશિયનોના જીવનમાં જે ઝંઝાવાત આવ્યો તેનો હૃદયસ્પર્શી અહેવાલ તેમણે આપ્યો.ગરવી ગુજરાતનો પ્રારંભ પખવાડિક અખબાર તરીકે થયો હતો પણ વિશાળ વાચકસમુદાયની માગણીના કારણે 1972માં તે ન્યુઝવીકલી બન્યું. રમણિકલાલ સોલંકીની એક વિશેષતા એ છે કે તેમણે હેરોલ્ડ વિલ્સનથી માંડીને ટોની બ્લેર સુધીના યુકેના તમામ વડાપ્રધાનોના ઇન્ટરવ્યૂ લીધા હતા.
આજે ગરવી ગુજરાત યુકે અને અમેરિકામાં એકસાથે પ્રકાશિત થાય છે અને ભારત બહાર સૌથી વધુ વેચાતું ગુજરાતી અખબાર બન્યું છે. શ્રી સોલંકી પત્રકાર તરીકે નિર્ભિક, સત્યશોધક અને સ્પષ્ટવક્તા હતા. 1971માં યુકેમાં ખળભળાટ મચાવનાર રૂકૈયાબીબી મર્ડર કેસને સોલ્વ કરવામાં તેમણે કરેલી મદદની નોંધ સ્કોટલેન્ડ યાર્ડે પણ લીધી છે. શ્રી સોલંકીના વડપણ હેઠળના એશિયન મીડિયા ગ્રુપે 2009માં એશિયન રિચ લિસ્ટ અને વિખ્યાત અંગ્રેજી ટેબ્લોઇડ ઇસ્ટર્ન આઇ હસ્તગત કર્યા હતા. હવે તો ગ્રુપનો બિઝનેસ ઘણો વિસ્તર્યો છે.
તે દર વર્ષે વિવિધ એવોર્ડ્ઝ ઇવેન્ટનું આયોજન કરે છે જેમાં GG2 Leadership Awards, Asian Business Awards, Asian Trader Awards, Vape Awards, ACTAs (Arts, Culture and Theatre Awards) and Pharmacy Business Awardsનો સમાવેશ થાય છે. આ સમારંભોમાં સિનિયર પ્રધાનો હાજર રહે છે અને 800થી વધુ મહેમાનો પ્રસંગને શોભાવે છે. 2014ના GG2 Leadership Awardsના ચીફ ગેસ્ટ તરીકે તત્કાલીન વડાપ્રધાન ડેવિડ કેમરોન ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સોલંકીના પરિવારમાં તેમનાં પત્ની પાર્વતીબહેન,, પુત્રો કલ્પેશ અને શૈલેશ, પુત્રી સાધના તથા 11 પૌત્રો-દોહિત્રોનો સમાવેશ થાય છે.