બનાસકાંઠામાંથી લોકસભામાં ચૂંટાયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુરુવારે ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકેનું રાજીનામું સ્પીકર શંકર ચૌધરીને ગાંધીનગરમાં તેમની ઓફિસમાં સોંપ્યું હતું. સ્પીકરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું.
બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી તેમની પ્રથમ ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતાં. 26 લોકસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં જીતનાર ઠાકોર એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર હતા. તેમણે રાજ્યમાં ભાજપની ક્લીન સ્વીપની હેટ્રિક અટકાવી હતી. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતી હતી.
કોંગ્રેસના નેતા 2017 અને 2022માં વાવ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેમના ધારાસભ્ય પદેથી રાજીનામાને પગલે 182 બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસની સભ્ય સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે. બીજી તરફ, સત્તાધારી ભાજપ પાસે 161 ધારાસભ્યો છે. AAPના ચાર, સમાજવાદી પાર્ટીના એક અને બે અપક્ષ ધારાસભ્યો છે.