અફધાન પ્રેસિડન્ટ અશરફ ગની અને વાઇસ પ્રેસિડન્ટ અમીરુલ્લાહ સાલેહ રવિવારે દેશ છોડી ભાગી ગયા હતા. તાજિકિસ્તાનને રવિવારે વિમાનના ઉતરાણને મંજૂરી ન આપતા તેઓ ઓમાન ગયા હોવાનું માનવામાં આવશે. ઓમાનથી તેઓ અમેરિકા જાય તેવી શક્યતા છે.
અફઘાનિસ્તાનના પ્રેસિડન્ટ અશરફ ગનીએ પોતાનો દેશ છોડીને ભાગવાનું કારણ જણાવ્યું હતું. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે તે એટલા માટે અફઘાનિસ્તાનમાંથી ભાગ્યા છે કે લોકોને વધુ ખૂન-ખરાબી જોવી ન પડે. મુશ્કેલીના સમયમાં દેશ છોડીને ભાગવા બદલ અશરફ ગનીની ટીકા થઈ રહી છે. અશરફ ગનીએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે જો અફઘાનિસ્તાનમાં તેઓ રોકાઈ ગયા હોત તો મોટી સંખ્યામાં લોકો દેશ માટે લડવા આવત. એવામાં ત્યાં ઘણા લોકોના જીવ જાત, સાથે જ કાબુલ શહેર સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાત. આ કારણે તેમણે દેશ છોડવાનો નિર્ણય કર્યો છે. ગનીએ વધુમાં કહ્યું હતું કે હવે તાલિબાન જીતી ગયા છે. તે અફઘાનિસ્તાનના લોકોનાં સન્માન, સંપત્તિ અને સુરક્ષા માટે જવાબદાર છે.