ભારતની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટ પરિસરમાં શુક્રવારે ગેંગવોરની અસાધારણ ઘટના બની હતી. કોર્ટરૂમમાં થયેલા ફાયરિંગમાં કુલ ત્રણ ગેંગસ્ટરના મોત થયા હતા અને બીજા કેટલાંક લોકો ઘાયલ થયા હતા. હરીફ ગેંગના સભ્યોએ વકીલના વેશમાં આવીને દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર જિતેન્દ્ર માન ઉર્ફે ગોગીની હત્યા કરી હતી. હુમલાખોરો પર પોલીસે વળતી કાર્યવાહી કરતાં બે હુમલાખોરોના મોત થયા હતા. કોર્ટમાં કુલ 30 રાઉન્ડ ગોળીબાર થયો હતો.
ગોળીબારને કારણે કોર્ટરૂમમાં નાસભાગ મચી ગઈ હતી. કોર્ટ રૂમમાં થયેલી ફાયરિંગની આ ઘટનાથી સુરક્ષા સામે સવાલ ઊભા થયા હતા, કારણ કે કોર્ટમાં ભારે સુરક્ષા વ્યવસ્થા હોય છે.
આ ફાયરિંગમાં દિલ્હીના કુખ્યાત ગેંગસ્ટર જિતેન્દ્ર માન ઉર્ફે ગોગીની હત્યા થઈ હતી. તેની પર હરીફ ટિલ્લું ગેંગ હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે. આ ગેંગવોરમાં ગોગી સહિત કુલ ત્રણ લોકો માર્યા ગયા હતા. અહેવાલો મુજબ ગોગીને સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો જ્યાં વકીલના ડ્રેસમાં આવેલા બે શૂટર્સે તેના પર ફાયરિંગ કર્યું હતું.
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે જ્યારે ગેંગસ્ટર ગોગીને કોર્ટમાં સુનાવણી અંતર્ગત લાવવામાં આવ્યો તો બે ગુનેગારે તેના પર ગોળીઓ ચલાવી. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોર માર્યા ગયા. તેમાંથી એક હુમલાખોર પર 50,000નું ઈનામ હતું.
વકીલ લલિત કુમારે જણાવ્યું કે હુમલાખોર વકીલના ડ્રેસમાં આવ્યા હતા. તેઓએ ગોગીને 3 ગોળીઓ મારી હતી. ગોગીની સુરક્ષામાં જે દિલ્હી પોલીસના લોકો હતા તેઓએ 25-30 ગોળીઓ ચલાવી હતી, જેમાં શૂટર્સ ઘટના સ્થળે જ માર્યા ગયા હતા