ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને બુધવારે ફરીથી છાતીમાં દુઃખાવો થતા કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાંગુલીને બે જાન્યુઆરીના રોજ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ચાલુ મહિનાના પ્રારંભે ગાંગુલીને ઘરે કસરત કરતી વખતે છાતીમાં દુઃખાવો થવા લાગતા તેમને વુડ્સલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તપાસ બાદ તેમના હ્રદયની ત્રણ નળીયો બ્લોક હોવાનું જણાતા તેમની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે ફરી તેમણે છાતીમાં દુઃખાવો અને બેચેનીની ફરિયાદ કરતા તેમને સોલ્ટ લેક સ્થિત એપોલો હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ગાંગુલીના આરોગ્યને લઈને અગાઉ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ દેવી શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેઓ મેરેથોન પણ દોડી શકે છે તેમજ વિમાન પણ ઉડાવી શકે છે. આ ઉપરાંત ક્રિકેટ પણ રમી શકે છે અને કસરત પણ કરી શકે છે.