મુંબઈની સિટી સિવિલ કોર્ટે ભણસાળી પ્રોડક્શન્સ, આલિયા ભટ્ટ, ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના લેખક હુસૈન ઝૈદી વિરુદ્ધ કાયમી મનાઈ હુકમની માગણી કરતી એક અરજીને તાજેતરમાં ફગાવી છે. સંજય લીલા ભણસાળી આ ફિલ્મના દિગ્દર્શક છે અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. કોર્ટમાં તેમની વિરુદ્ધની અરજી બાબુજી શાહ દ્વારા કરવામાં આવી હતી, તેમનો દાવો હતો કે તે ગંગુબાઈ કાઠિયાવાડીનો દત્તક લેવાયેલો પુત્ર છે. તેણે આરોપ મૂક્યો હતો કે, આ પુસ્તકના કેટલાક ભાગ ન માત્ર બદનામ કરવા માટે છે, પરંતુ સાથે જ તેનાથી ગુપ્તતા, સ્વ-સન્માન અને સ્વતંત્રતાના તેના અધિકારો પર તરાપ મારવામાં આવી છે.
ગંગુબાઈ કાઠિયાવાડી એક એવી મહિલા છે કે જે તેના સાથી સાથે ગુજરાતથી મુંબઈ આવી હતી, પરંતુ તેની સાથે વિશ્વાસઘાત થયો હતો અને તેને દેહવેપારમાં ધકેલવામાં આવી હતી. ગત સદીના મધ્યમાં ગંગુબાઈની અન્ડરવર્લ્ડના અનેક ક્રિમિનલ્સની સાથે સાંઠગાંઠ હતી. દક્ષિણ મુંબઈના કેટલાક ભાગમાં તેનું વર્ચસ્વ હતું. તેણે મુંબઈના રેડલાઇટ એરિયા કમાઠીપુરામાં મહિલાઓ અને અનાથોની કલ્યાણ માટે તે કામ કરી રહી હોવાનું કહેવામાં આવ્યું હતું.