કોરોનાવાઈરસને કારણે 19 માર્ચથી ટીવી તથા બોલિવૂડ ફિલ્મના શૂટિંગ બંધ છે. ત્યારબાદ દેશમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું. હવે, સરકારે લૉકડાઉન ધીમે ધીમે ખોલવાનું શરૂ કર્યું છે. સરકારે પૂરતી સાવધાની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. ટીવીના શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે. બોલિવૂડ પણ હવે ધીમે ધીમે શૂટિંગ કરવાનું વિચારી રહ્યું છે. સંજય ગુપ્તાની ગેંગસ્ટર ડ્રામા ‘મુંબઈ સાગા’નું શૂટિંગ જુલાઈમાં હૈદરાબાદમાં કરવામાં આવશે.
આ એક્શન ફિલ્મનુ શૂટિંગ લૉકડાઉન પહેલાં મુંબઈના રિયલ લોકેશનમાં થતું હતું. આ ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મનું 12 દિવસનું શૂટિંગ બાકી છે અને હવે આ શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં કરવામાં આવશે. સંજય ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ટેકનિકલ સ્ટાફ તથા ક્રૂ મેમ્બરની મદદથી રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરશે.
શૂટિંગ સ્ટૂડિયોમાં જ કરવાનું હોવાથી જોખમ ઘટી જશે. અહીંયા બાર દિવસનું શૂટિંગ કરવામાં આવશે. લૉકડાઉન દરમિયાન ઘરેથી જ ફિલ્મનું એડિટિંગ કરવામાં આવ્યું હતું. જોકે, ફિલ્મને તૈયાર થતાં હજી ચાર મહિનાનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, સુનિલ શેટ્ટી, પ્રતિક બબ્બર, જેકી શ્રોફ, રોહિત રોય તથા ગુલશન ગ્રોવર જેવા કલાકારો છે.