અમદાવાદની સાબરમતી જેલમાંથી ઉત્તરપ્રદેશ લઈ જવાયેલા ગેંગસ્ટર અતીક અહેમદને પ્રયાગરાજની કોર્ટે મંગળવારે 2006ના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. અતીક અહેમદના ભાઈ ખાલિદ અઝિમ ઉર્ફે અશરફ સહિત સાત આરોપીને આ કેસમા મુક્ત કરાયા હતા.
અતીક અહેમદ સમાજવાદી પાર્ટીનો ભૂતપૂર્વ સાંસદ અને ધારાસભ્ય છે. તેની સામે હત્યા અને અપહરણ સહિતના ઓછામાં ઓછા 100 ગુનાહિત કેસ છે. આજીવન કેદની સજા પછી ગેંગસ્ટર અતીકે અદાલતને વિનંતી કરીને કહ્યું હતું કે, મને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દો. કોર્ટે અતીકને સાબરમતી જેલમાં અને તેના ભાઈ અશરફને બરેલી જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે. અતીકને ઉત્તરપ્રદેશની જેલમાં યોગી આદિત્યનાની પોલીસ એકાઉન્ટર કરે તેવો ભય છે. અતીક ઉપરાંત ખાન સૌલત અને દિનેશ પાસીને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.
ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને ફાંસીની સજાની માંગ સાથે હવે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે. ઉમેશ પાલ કેસનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિક્રમ સિન્હાએ કહ્યું, “અતિકને ફાંસી થવી જોઈએ. અમે અશરફ અને અન્ય આરોપીઓ સામે પણ અપીલ કરીશું જેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.”
અતીક અહેમદનો પ્રયાગરાજ સહિત 8 જિલ્લામાં 20 વર્ષ સુધી આતંક રહ્યો હતો. યુપી પોલીસના ડોઝિયર મુજબ, અતીક અને તેની ગેંગ IS-227 સામે 101 કેસ નોંધાયેલા છે, પરંતુ 50 કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે, જેમાં NSA, ગેંગસ્ટર એક્ટ હેઠળના દોઢ ડઝનથી વધુ કેસ છે. અતીક સામે પહેલો કેસ 1979માં નોંધાયો હતો. આ 20 વર્ષમાં તેની સામે હત્યા, લૂંટ, ખંડણી અને અપહરણના કેટલાયે કેસ નોંધાતા રહ્યા હતા. કેસની સાથે-સાથે તેનું રાજકીય કદ પણ વધતું રહ્યું હતું.